વલસાડ મોગરાવાડી રેલવે અન્ડરપાસ 50 દિવસથી બંધ, 22 હજાર લોકો ત્રસ્ત | Valsad Railway Underpass Closed for 50 Days
વલસાડના મોગરાવાડી વિસ્તારમાં આવેલ રેલવે અન્ડરપાસ પ્રિકાસ્ટના કામને કારણે છેલ્લા 50 દિવસથી બંધ રહેતા હજારો નાગરિકોની મુશ્કેલી વધતી જઈ રહી છે. અન્ડરપાસ ક્યારે ખુલશે તે અંગે રેલવે તંત્ર તરફથી કોઈ સત્તાવાર જાહેરાત ન થતાં 22 હજારથી વધુ રહીશો છેલ્લા લાંબા સમયથી પરેશાની ભોગવી રહ્યા છે. રોજિંદા અવરજવર માટે લોકોને 4 કિમી લાંબો ચકરાવો કરવો પડી રહ્યો છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે.
વલસાડ મોગરાવાડી ખાતે પશ્ચિમ રેલવેના ગરનાળા ક્રમાંક 329 પર પીએસસી ગર્ડર બદલવાની કામગીરી માટે અન્ડરપાસનો રસ્તો બંધ કરવામાં આવ્યો હતો. રેલવે તંત્ર દ્વારા સ્લેબની કામગીરી માટે 20 નવેમ્બરથી 30 નવેમ્બર સુધી અન્ડરપાસ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ સ્થાનિકોએ થોડો સમય સહન કરવાની તૈયારી રાખી હતી.
પરંતુ મુદત પૂર્ણ થવાના એક દિવસ અગાઉ 29 ડિસેમ્બરે રેલવે તંત્રે અચાનક અન્ડરપાસ વધુ એક માસ માટે એટલે કે 31 ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ નિર્ણયથી મોગરાવાડી અને આસપાસના વિસ્તારોમાં રહેતા 22 હજારથી વધુ લોકોને ભારે આંચકો લાગ્યો હતો. લોકો રોજિંદા કામ, શાળા, દુકાન અને વ્યવસાય માટે લાંબા અંતરના ચકરાવા કરવા મજબૂર બન્યા હતા.
આથી પણ વધુ અચંબો ત્યારે થયો જ્યારે 31 ડિસેમ્બરની મુદત પૂરી થયા બાદ 1 જાન્યુઆરીએ અન્ડરપાસ ખુલવાની કોઈ જાહેરાત કરવામાં આવી નહીં. આ રીતે 8 દિવસ પસાર થઈ ગયા છતાં રેલવે તંત્ર કે નગરપાલિકા તરફથી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. નગરપાલિકાના સત્તાધીશો અને સભ્યો પણ રેલવે તંત્ર સમક્ષ અન્ડરપાસ કેમ ખુલ્યો નથી તે અંગે સક્રિય રજૂઆતો કરતા દેખાયા નથી.
ગુરુવારે વલસાડ પાલિકાના મોગરાવાડી ઝોનના માજી વિપક્ષ નેતા ગીરીશ દેસાઈ, પૂર્વ કાઉન્સિલર સંજય ચૌહાણ મેનેજર અને વિજય પટેલ દ્વારા અન્ડરપાસ ક્યારે ખુલશે તે અંગે રેલવે સુપરવાઈઝર સાથે વાતચીત કરવામાં આવી હતી. જેમાં બે-ત્રણ દિવસમાં અન્ડરપાસ ખુલશે તેવી માહિતી આપવામાં આવી હતી. આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અન્ડરપાસ ખુલવાની તૈયારી ચાલી રહી હોવાનું કહેવામાં આવ્યું હતું.
જોકે અન્ડરપાસ બંધ રાખવાના બોર્ડ તો લગાવવામાં આવે છે, પરંતુ નિર્ધારિત સમયે ખુલ્લો કરવાની તારીખ અંગે રેલવે તંત્ર કોઈ સત્તાવાર બોર્ડ કે જાહેરનામું બહાર પાડતું નથી. જેના કારણે લોકોમાં વધુ અસંતોષ જોવા મળી રહ્યો છે. પારદર્શક માહિતીના અભાવે જનતામાં અવિશ્વાસની ભાવના વધતી જાય છે.
મોગરાવાડી અન્ડરપાસ ખુલશે તેવી માહિતી જાહેર થતાં જ શાસક પક્ષના સ્થાનિક સભ્યો દોડતા થઈ ગયા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. અગાઉ રેલવે તંત્ર દ્વારા અન્ડરપાસમાં રાહદારીઓ માટેની 3 ફુટ પહોળી પાળી તોડી તેને માત્ર દોઢ ફુટ જેટલી સાંકડી કરી દેવામાં આવી હતી. આ મુદ્દે વિપક્ષના સભ્યોએ વાંધો ઉઠાવ્યો હતો.
ગુરુવારે અચાનક પાળી ફરી પહોળી કરવાની તજવીજ હાથ ધરાઈ, અન્ડરપાસમાં સફાઈ કામગીરી અને લાઈટ લગાવવાની દોડધામ શરૂ કરવામાં આવી હતી. આ દૃશ્ય જોઈ વિપક્ષના માજી સભ્યોએ ટોણો મારતાં કહ્યું હતું કે હવે જ શાસક પક્ષના સભ્યો જાગ્યા છે. લાંબા સમયથી લોકો પરેશાન હતા ત્યારે કોઈએ ધ્યાન આપ્યું નહોતું.
મોગરાવાડીનો રેલવે અન્ડરપાસ વલસાડ અને મોગરાવાડી વચ્ચેના નીચાણવાળા વિસ્તારમાં અંગ્રેજોના સમયથી બનાવવામાં આવ્યો છે. આ વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ પાલિકા અને રેલવે તંત્ર માટે મોટો પડકાર બની છે. વલસાડ શહેરના બેચર રોડથી મોગરાવાડી જવાનો માર્ગ નીચાણવાળો છે અને રેલવે અન્ડરપાસ સુધીનો રસ્તો અંદાજે 15થી 20 ફુટ નીચો છે.
આ ઉપરાંત ફ્રેઇટ કોરિડોરના કારણે અન્ડરપાસની લંબાઈ પણ વધી ગઈ છે. જેના ઉપરથી અંદાજે 10થી વધુ રેલવે ટ્રેક પસાર થાય છે. આવી સ્થિતિમાં વરસાદી મોસમમાં પાણી ભરાવાની સમસ્યા અને ટ્રાફિકની મુશ્કેલી સતત રહે છે. સ્થાનિક નાગરિકો હવે કાયમી ઉકેલ તરીકે ફ્લાયઓવર બનાવવાની માગ ઉઠાવી રહ્યા છે.
મોગરાવાડી રેલવે અન્ડરપાસ પ્રિકાસ્ટના કામ માટે અગાઉ 31 ડિસેમ્બર 2025 સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ તારીખ પસાર થઈને 8 દિવસ વીતી ગયા છતાં અન્ડરપાસ ચાલુ ન થતાં લોકોનો ગુસ્સો વધતો જઈ રહ્યો છે. છેલ્લા 50 દિવસથી 22 હજારથી વધુ નાગરિકો ભારે પીડા ભોગવી રહ્યા છે.
ગુરુવારે રેલવેના સુપરવાઈઝર સાથે થયેલી વાતચીતમાં જણાવાયું હતું કે મોગરાવાડીના બે અન્ડરપાસ હવે 10 કે 11 જાન્યુઆરીએ શરૂ કરવામાં આવશે. જોકે આ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત ન થતાં લોકો આશા અને આશંકા વચ્ચે દિવસો કાપી રહ્યા છે.
#વલસાડન્યૂઝ #ValsadNews #મોગરાવાડી #RailwayUnderpass #અન્ડરપાસબંધ #PublicProblem #વલસાડસમાચાર #GujaratNews #InfrastructureIssue #TrafficProblem #UnderpassIssue #નગરપાલિકા #RailwayDepartment #LocalNews
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

[…] 🎯 આ માહિતી તમારી માટે જ : વલસાડ મોગરાવાડી રેલવે અન્ડરપાસ 50 દિવસ… […]