ધરમપુરના હનમતમાળમાં માન નદી પર મેજર બ્રિજ તૈયાર, ડુબાઉ પુલથી છૂટકારો
ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તાર હનમતમાળમાં કાંજણપાડા તરફ જતા માર્ગ પર માન નદી ઉપર નિર્માણ પામેલા મેજર બ્રિજની કામગીરી પૂર્ણ થઈ છે. રૂપિયા ચાર કરોડના ખર્ચે તૈયાર થયેલા આ મહત્વના બ્રિજથી આસપાસના સાતથી વધુ ગામોના લોકોને લાભ મળશે.
અત્યાર સુધી ચોમાસા દરમિયાન ડુબાઉ પુલના કારણે આ વિસ્તારના અનેક ગામોનો સંપર્ક તૂટી જતો હતો. હવે નવા મેજર બ્રિજના નિર્માણથી ચોમાસામાં પણ અવરજવર સુગમ બનશે અને ગામો વિખૂટા પડવાની સમસ્યાનો અંત આવશે.
આ બ્રિજના કારણે હનમતમાળ, આંબોશી ભવઠાણ, શિશુમાળ, વિલ્સન હિલ, પંગારબારી, સામરસિંગી હાટક અને પાંડવખડક સહિત અનેક ગામોને ધરમપુર તાલુકા મથક સાથે સીધી કનેક્ટિવિટી મળશે. લાંબા સમયથી ચાલતી અવરજવર સંબંધિત મુશ્કેલીનો આ બ્રિજથી કાયમી ઉકેલ આવ્યો છે.
ધરમપુર બ્રિજ, હનમતમાળ માન નદી બ્રિજ, ધરમપુર તાલુકા વિકાસ, મેજર બ્રિજ ધરમપુર, માન નદી પુલ, Valsad Infrastructure, Dharampur Bridge News, ધરમપુર સમાચાર, હનમતમાળ, માન નદી, Bridge Construction, Valsad District, Rural Connectivity, Gujarat Development, Local News
════════════════════════════════════
ધરમપુરની 148 વર્ષ જૂની કન્યાશાળાનું સમારકામ જરૂરી
ધરમપુર શહેરની મધ્યમાં સ્થિત 148 વર્ષ જૂની રાજવી સમયની કન્યાશાળા ઇતિહાસની સાક્ષીરૂપ ધરોહર તરીકે ઓળખાય છે. રાજવી સમયમાં 1877માં કન્યા કેળવણીની શરૂઆત આ કન્યાશાળાની સ્થાપનાથી થઈ હતી. સમય જતાં આ શાળાના ભવ્ય મકાનમાં રીનોવેશન અને જાળવણીની જરૂરિયાત ઊભી થઈ છે.
શહેરના મોટા બજાર વિસ્તારમાં આવેલી શ્રી માજી રાજબા કન્યાશાળામાં ધોરણ 1થી 8માં કુલ 225 કન્યાઓ અભ્યાસ કરે છે. શાળાની સામે આવેલ રાજવી સમયના નાંદોદ ઉતારા મકાનમાં અગાઉ બનેલા બે ઓરડાઓ જર્જરિત હાલતમાં હોવાથી વિદ્યાર્થીનીઓની સલામતીના હિતમાં હાલ બંધ રાખવામાં આવ્યા છે. શાળાના 148 વર્ષ જૂના મુખ્ય મકાનમાં સમારકામની જરૂરિયાતને કારણે હાલ શાળા પરિસરમાં સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનેલા આઠ ઓરડાઓમાં અભ્યાસ કાર્ય ચાલી રહ્યું છે, જેમાંથી બે ઓરડાઓ પણ સમારકામ માગી રહ્યા છે.
આ કન્યાશાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવી અનેક કન્યાઓ ડોક્ટર, વકીલ, પ્રોફેસર, શિક્ષિકા સહિત વિવિધ ક્ષેત્રોમાં સફળતા મેળવી ચૂકી છે. મેડિકલ, પેરા મેડિકલ, એન્જિનિયરિંગ, પોલીસ, શિક્ષણ, વકીલાત, રાજકીય ક્ષેત્ર અને રમતગમત સહિતના ક્ષેત્રોમાં આ શાળાની વિદ્યાર્થિનીઓએ સિદ્ધિ હાંસલ કરી છે.
રાજવી સમયની આ હેરિટેજ ગણાતી ઈમારતની ભવ્યતાની જાળવણી સાથે સર્વે કરી જરૂરી રીનોવેશન કરવામાં આવે અને અહીં ફરીથી અભ્યાસ કાર્ય શરૂ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. જિલ્લામાં આવી હેરિટેજ ઈમારતો ઓછી હોવાથી રજવાડી નગરી ધરમપુરની આ શાળા ઇતિહાસના જતન માટે મહત્વપૂર્ણ ગણાય છે.
ઇતિહાસ મુજબ, શ્રી માજી રાજબા કન્યાશાળાની સામે આવેલા નાંદોદ ઉતારા નામના મકાનમાં 1877માં બે ઓરડાઓ બનાવી કન્યાશાળા નંબર-2 તરીકે શરૂઆત કરવામાં આવી હતી. તે સમયગાળા દરમિયાન ધોરણ 1થી 3 સુધીની કન્યાઓને શિક્ષણ આપવામાં આવતું હતું. બાદમાં શાળાનો વિકાસ થતાં ધીમે ધીમે ધોરણ 1થી 7 સુધી શિક્ષણ શરૂ થયું હતું. નાંદોદ ઉતારામાં ધોરણ 1થી 3 અને શ્રી માજી રાજબા કન્યાશાળામાં ધોરણ 4થી 7ની કન્યાઓ અભ્યાસ કરતી હતી.
બાદમાં બંને મકાનો સરકાર હસ્તક આવ્યા અને જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, વલસાડ દ્વારા સંચાલિત ગુજરાતી શાળા તરીકે શ્રી માજી રાજબા કન્યાશાળાનું સંચાલન શરૂ કરવામાં આવ્યું. શાળાની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખી નાંદોદ ઉતારાનું જર્જરિત મકાન સને 2007માં મંજૂરી મેળવી તોડી નાંખવામાં આવ્યું અને ત્યાં નવું મકાન બાંધવામાં આવ્યું હતું.
ધરમપુર કન્યાશાળા, શ્રી માજી રાજબા કન્યાશાળા, ધરમપુર હેરિટેજ શાળા, કન્યા કેળવણી ઇતિહાસ, Dharampur Girls School, Heritage School Gujarat, ધરમપુર સમાચાર, કન્યાશાળા, કન્યા કેળવણી, Heritage Building, Education News, Valsad District, Girls Education, Local News
════════════════════════════════════
ધરમપુરની ખારવેલ બી.આર. ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકો દ્વારા બજાર-દિવસની પ્રવૃત્તિ
ધરમપુરના ખારવેલ સ્થિત બી.આર. ઇન્ટરનેશનલ સ્કૂલમાં કિન્ડરગાર્ટન વિભાગના બાળકો માટે બજાર-દિવસની પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોને રમતાં રમતાં ખરીદી-વેચાણનો વાસ્તવિક અનુભવ મળે તે હેતુથી આ માર્કેટ-ડે એક્ટિવિટી યોજાઈ હતી.
આ પ્રવૃત્તિ દરમિયાન શાળા પરિસરમાં ફળ, શાકભાજી, શોપ અને અન્ય નાની દુકાનો ગોઠવવામાં આવી હતી. બાળકો દુકાનદાર અને ગ્રાહક બનીને ભાગ લેતા જોવા મળ્યા હતા. દુકાનદાર બનેલા નાનકડા બાળકો રંગીન એપ્રન અને ટોપી પહેરી “લો શાકભાજી”, “કેટલા રૂપિયા?” અને “થેન્ક યુ” જેવા શબ્દો બોલતા ઉત્સાહપૂર્વક વ્યવહાર કરતા હતા. જ્યારે ગ્રાહક તરીકે જોડાયેલા બાળકોએ ખરીદી કરી હતી.
આ પ્રવૃત્તિ દ્વારા બાળકોને કાઉન્ટિંગ, એક્સચેન્જ અને બેઝિક ટ્રાન્ઝેક્શન જેવી સંકલ્પનાઓ આનંદપૂર્ણ રીતે શીખવાની તક મળી હતી. શાળાની વાઈસ પ્રિન્સિપાલ બુધેશ્વરીના માર્ગદર્શન, પ્રોત્સાહન અને સતત સહયોગથી આ પ્રવૃત્તિ સફળ અને યાદગાર બની હતી.
ધરમપુર સમાચાર, Kharel School, Market Day Activity, Kindergarten Learning, BR International School, School Activity, Education News, Valsad District
════════════════════════════════════
ધરમપુરમાં જિલ્લા સહકારીતા સ્નેહમિલન સમારોહમાં ‘હર ઘર સ્વદેશી’નો સંકલ્પ
ધરમપુરના બામટી સ્થિત એપીએમસી માર્કેટ યાર્ડમાં ‘સહકારથી સમૃદ્ધિ’ વલસાડ જિલ્લા સહકારીતા સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમારોહમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત નવા વર્ષમાં ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ મંત્રને સાકાર કરવા ઉપસ્થિત સૌએ સંકલ્પ લીધો હતો.
આ અવસરે ધરમપુરના ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ તથા સહકારી ક્ષેત્રના આગેવાન અને ગુજરાત ખેતી બેંકના વાઈસ ચેરમેન જીવાભાઈ આહિરે ગ્રામ્ય વિસ્તારોમાં નાના ગૃહ ઉદ્યોગોમાં બનતી સ્વદેશી વસ્તુઓનો ઉપયોગ કરવા અનુરોધ કર્યો હતો. તેમણે સ્વદેશી ઉત્પાદનો અપનાવવાથી સ્થાનિક ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવું જણાવ્યું હતું.
ધરમપુર શહેર ભાજપ પ્રમુખ અમિત ચોરેરાએ આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ અંગે ઉપસ્થિતોને માહિતગાર કર્યા હતા અને ‘હર ઘર સ્વદેશી, ઘર ઘર સ્વદેશી’ મંત્ર દ્વારા આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
આ સ્નેહમિલન સમારોહમાં વલસાડ જિલ્લા પંચાયત પ્રમુખ મનહરભાઈ પટેલ, ધરમપુર એપીએમસી ચેરમેન જયેશભાઈ પટેલ, ચીખલી એપીએમસી ચેરમેન પરિમલ દેસાઈ, વલસાડ જિલ્લા સહકારી બેંક તથા વલસાડ જિલ્લા વસુંધરા ડેરીના ડિરેક્ટર કિશોરભાઈ પટેલ, વલસાડ સુગરના વાઈસ ચેરમેન રમેશભાઈ પઢિયાર, ધરમપુર–કપરાડા સંઘ પ્રમુખ ગમનભાઈ રાઉત, ધરમપુર શહેર ભાજપ મહામંત્રી અક્ષય ચૌધરી સહિત સહકારી આગેવાનો, કાર્યકર્તાઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
ધરમપુર સમાચાર, સહકારીતા સ્નેહમિલન, હર ઘર સ્વદેશી, Swadeshi Movement, Cooperative Sector, Valsad District, Gujarat News, APMC Market
════════════════════════════════════
બીલપુડીમાં ગંજીપાનાનો જુગાર રમતા ત્રણ ઈસમ ઝડપાયા
ધરમપુર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે બીલપુડીના ડુંગરપાડા ફળિયામાં ખુલ્લી જગ્યાએ કેટલાક ઈસમો ગોળ કુંડાળુ વળી પૈસા પાનાના હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. મળેલી બાતમીના આધારે પોલીસ પંચો સાથે સ્થળ પર પહોંચી હતી.
પોલીસે સ્થળ પર કાર્યવાહી કરી ગંજીપાનાનો જુગાર રમતા ત્રણ ઈસમોને ઝડપી લીધા હતા. પકડાયેલા ઈસમોમાં ધરમપુરના પિયુષ વળવી, બીલપુડીના સુનિલ અંગઝડતી અને ધરમપુરના કિરણ માહલા હોવાનું જાણવા મળ્યું છે.
પોલીસે તપાસ દરમિયાન તેમના પાસેથી રોકડા રૂપિયા 790, દાંવ પરના રૂપિયા 90 મળી કુલ રૂપિયા 880 રોકડ તેમજ ગંજીપાના નંગ-52 મુદ્દામાલ કબ્જે કર્યો હતો. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધરમપુર સમાચાર, બીલપુડી, ગંજીપાનાનો જુગાર, Gambling Case, Dharampur Police, Crime News, Valsad District, Local News
════════════════════════════════════
ધરમપુર–કપરાડામાં ખ્રિસ્તીઓને નાતાલ ઉજવવાની મંજૂરી આપવા માંગ
ધરમપુર અને કપરાડા તાલુકામાં સરકારી ચોપડે નોંધાયેલા ખ્રિસ્તીઓને નાતાલ પર્વ ઉજવવાની મંજૂરી આપવા દેવ બિરસા સેનાએ ધરમપુરના પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું.
દેવ બિરસા સેના તરફથી જણાવાયું હતું કે આદિવાસી સમાજમાં પૂર્વજોથી ચાલતી આવતી પરંપરા મુજબ પુંજ મૂકી છાક પાડી દેવોની પૂજા કરવામાં આવે છે અને આદિ-અનાદિ કાળથી પરંપરા, સંસ્કૃતિ તથા રીત-રિવાજોનું પાલન થતું આવ્યું છે. છેલ્લા કેટલાક વર્ષોથી આદિવાસી વિસ્તારોના વિવિધ ગામોમાં ખ્રિસ્તી સભાઓ, પ્રાર્થનાઓ તેમજ શાંતિ મહોત્સવ અને સેમિનારો યોજાતા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ખ્રિસ્તી ધર્મના લોકો ડિસેમ્બર મહિનામાં નાતાલના કાર્યક્રમો યોજે છે તેમ પણ રજૂઆત કરવામાં આવી હતી.
દેવ બિરસા સેના દ્વારા જણાવાયું હતું કે તેઓ કોઈ પણ ધર્મ પ્રત્યે ભેદભાવ રાખતા નથી અને દરેક ધર્મનું સન્માન કરે છે. તેથી કાયદેસર રીતે સરકારી ચોપડે નોંધાયેલા અને ખ્રિસ્તી ધર્મ પાળતા લોકોને નાતાલ ઉજવવાની મંજૂરી આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. સાથે જ આદિવાસીઓના અસ્તિત્વને ધ્યાનમાં રાખીને સરકારી ચોપડે નોંધાયેલા ન હોય એવા વ્યક્તિઓને નાતાલ ઉજવવાની પરવાનગી ન આપવા પણ રજૂઆત કરવામાં આવી હતી.
આવેદનપત્ર આપતી વખતે પરિમલ ગરાસિયા, રણજિત વૈજલ, માહલા, રઘુભાઈ ધાકલભાઈ રાઠડ, રામાભાઈ ચવધરી સહિતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
ધરમપુર સમાચાર, કપરાડા તાલુકો, દેવ બિરસા સેના, નાતાલ ઉજવણી, Christmas Permission, Tribal Area Issues, Religious Matter, Local News
════════════════════════════════════
ધરમપુરના સ્નેક રિસર્ચ સેન્ટરની મંત્રીઓએ મુલાકાત લઈ વેનમ પ્રક્રિયા અંગે જાણકારી મેળવી
ધરમપુરના માલનપાડા વિસ્તારમાં આવેલ WHO ગાઈડલાઈન મુજબના દેશના પ્રથમ સર્પ સંશોધન સંસ્થાનની વન-પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા અને આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે મુલાકાત લીધી હતી. આ દરમિયાન સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SRI)ના વાઈસ પ્રેસિડેન્ટ ડો. ડી.સી. પટેલે સંસ્થામાં રાખવામાં આવેલા ઝેરી સર્પો તેમજ તેમના ઝેરમાંથી સાયન્ટિફિક રીતે પ્રોસેસ કરીને બનાવવામાં આવતા વેનમ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
મંત્રીઓને ઝેરી સાપોના સ્ટોરેજ રૂમ અને લેબોરેટરીની મુલાકાત પણ કરાવવામાં આવી હતી. ડો. ડી.સી. પટેલે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા ઝેરી સાપોના પ્રકાર, વેનમ વેરિએશન અને સેન્ટરની ઉપયોગિતા અંગે સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે વિશ્વમાંથી તમામ સાપ નાશ પામે તો માનવ જીવન 20 વર્ષથી વધુ ટકી શકશે નહીં. સાથે જ સાપ ડંખ મારતા પહેલા અવાજ કરે છે તે અંગેના વીડિયો પણ મંત્રીઓને બતાવાયા હતા.
ડો. ડી.સી. પટેલે માહિતી આપતાં જણાવ્યું હતું કે 1983થી અત્યાર સુધીમાં કુલ 21,262 સર્પદંશના દર્દીઓને સારવાર આપી તેમનું જીવન બચાવવામાં આવ્યું છે અને છેલ્લા ત્રણ વર્ષમાં ઝીરો ડેથ રેટ નોંધાયો છે. આ પ્રસંગે મંત્રી નરેશ પટેલે ડો. પટેલ દ્વારા કરવામાં આવતી સેવાકીય કામગીરીની પ્રશંસા કરી હતી.
મંત્રીઓએ વન વિભાગના એડિશનલ પ્રિન્સિપાલ ચીફ કન્ઝર્વેટર એસ. કે. શ્રીવાસ્તવ, ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ડો. બી. સૂચિન્દ્રા, વલસાડ જિલ્લાના ઉત્તર વન વિભાગના ડીએફઓ લોકેશ ભારદ્વાજ, એસીએફ જિનલ ભટ્ટ સહિતના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં સ્નેક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને ભારતની શ્રેષ્ઠ સંસ્થા બનાવવાના હેતુથી જરૂરી માર્ગદર્શન અને સાધન-સામગ્રી પૂરી પાડવા સૂચનાઓ આપવામાં આવી હતી.
આ પ્રસંગે જીલ્લા પંચાયત પ્રમુખ મનહર પટેલ, ધરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ, શ્રી સાઈનાથ હોસ્પિટલના ડો. હેમંત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ધરમપુર નગરપાલિકાના પ્રમુખ મયંક મોદી, કારોબારી સભ્ય મહેશ ગાયકવાડ, ધરમપુર શહેર સંગઠન પ્રમુખ અમિત ચોરેરા અને સભ્યો દ્વારા મંત્રીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું.
ધરમપુર સમાચાર, Snake Research Institute, Venom Research, Arjun Modhwadia, Naresh Patel, Forest Department, Wildlife Conservation, Valsad District
════════════════════════════════════
