September 3, 2026 Trending Now

lokgujarati.com

LokGujarati.com – Gujarati Stories, Daily Local Updates & Real Voices of South Gujarat

Advertisement728 × 90
Breaking News
  1. કપરાડા ગાઢવી ગ્રુપ પંચાયતની જર્જરિત શાળાઓ અને આંગણવાડીની મુલાકાત: નવા મકાનોની મોટી ખાતરી | Kaprada Gadhvi Panchayat Dilapidated Schools Inspection: New Buildings Promised
Vapi

Vapi News Today, Chala & Pardi Local Updates — 14 December 2025

Table of Contents

સરદારધામની ટીમે 10 વર્ષમાં કરેલા કાર્યો અંગે સમાજને માહિતગાર કરાશે

 

વાપી નજીક ટુકવાડા સ્થિત અવધ ઉટોપિયા ખાતે સરદારધામ દક્ષિણ ગુજરાત ઝોન દ્વારા મહત્વપૂર્ણ વિચારગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિચારગોષ્ઠીનો મુખ્ય હેતુ સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શોને આધારે છેલ્લા 10 વર્ષમાં સરદારધામ દ્વારા કરવામાં આવેલા સામાજિક, શૈક્ષણિક અને વ્યાવસાયિક કાર્યો અંગે સમાજને માહિતગાર કરવાનો હતો.
સરદારધામ સંસ્થા સમાજના યુવાઓને ઉત્તમ માર્ગદર્શન, શિક્ષણ, વ્યવસાય અને રોજગાર માટે મજબૂત પ્લેટફોર્મ પૂરૂં પાડતી અગ્રગણ્ય સંસ્થા તરીકે ઓળખાય છે. આ વિચારગોષ્ઠીમાં જણાવાયું હતું કે મિશન–2026ના રોડમેપ અંતર્ગત સરદારધામ દ્વારા કરવામાં આવેલા કાર્યોનું “રિપોર્ટ કાર્ડ” સમાજ સમક્ષ રજૂ કરવામાં આવશે, જેથી સંસ્થાની પારદર્શક કામગીરી અને સિદ્ધિઓથી સમાજના છેવાડાના લોકો પણ વાકેફ થઈ શકે.
વિચારગોષ્ઠી દરમિયાન સરદારધામની કામગીરીને વધુ મજબૂત અને વ્યાપક બનાવવા માટે હાજર અગ્રણીઓ પાસેથી રચનાત્મક સૂચનો પણ લેવામાં આવ્યા હતા. પ્રાપ્ત થયેલા શક્ય સૂચનોને અમલમાં મૂકવા માટે સંસ્થાએ સકારાત્મક અભિગમ અપનાવવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ સમાજના યુવાનોને જાગૃત કરી તેમને શૈક્ષણિક અને વ્યાપારી ક્ષેત્રે વધુ સક્ષમ બનાવવાનો રહ્યો.
આ વિચારગોષ્ઠીમાં સરદારધામના ભૂમિદાતા મોતી પટેલ, ટ્રસ્ટી સુધીર સાવલિયા, ટ્રસ્ટી વિપુલ પટેલ, પ્રમુખસેવક ગગજી સુતરીયા સહિત વાપીના સામાજિક, ઔદ્યોગિક અને વ્યવસાયિક ક્ષેત્રના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત, સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી નિમિત્તે સરદારધામ દ્વારા ગુજરાતના વિવિધ ઝોન, શહેરો તેમજ વિદેશોમાં “સરદાર કથા”ના આયોજનનો નિર્ણય પણ લેવામાં આવ્યો હોવાનું બેઠકમાં જણાવાયું હતું.

#સરદારધામ #સરદારધામવાપી #સરદારધામદક્ષિણગુજરાત #સરદારધામસમાજ #સરદારધામસેવા #સરદારપટેલ #સરદારપટેલ150 #સરદારજયંતી #દક્ષિણગુજરાત #વાપી
—————-

વાપી રોફેલ કોલેજમાં પ્રિ. ડૉ. જયંતી ચૌધરીનું પ્રેરણાદાયી વ્યાખ્યાન

વાપી સ્થિત રોફેલ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજમાં પ્રિ. ડૉ. જયંતીભાઈ ચૌધરી (ડીન, આર્ટ્સ ફેકલ્ટી, વી.એન.એસ.જી.યુ., સુરત)નું પ્રેરણાદાયી વ્યાખ્યાન યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત કોલેજના ગુજરાતી વિભાગના અધ્યક્ષ પ્રા. એન. કે. પટેલ દ્વારા મહેમાન પરિચય સાથે કરવામાં આવી હતી.
આ પ્રસંગે કોલેજના પ્રિન્સિપાલ પ્રિ. ડૉ. એચ. એ. દેસાઈએ પ્રિ. ડૉ. જયંતીભાઈ ચૌધરીનું પુષ્પગુચ્છ, શાલ ઓઢાડી અને સન્માનપત્ર અર્પણ કરી હાર્દિક અભિવાદન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
પ્રિ. ડૉ. જયંતીભાઈ ચૌધરીએ પોતાના વ્યાખ્યાનમાં જીવનમાં પરિશ્રમના મહત્ત્વ, વિદ્યાર્થી જીવનમાં અભ્યાસ અને વાંચનની આવશ્યકતા, ચિંતનશીલતા, સારા માનવી બનવાની જવાબદારી, આપણી ગુજરાતી કવિતાની સમૃદ્ધ પરંપરા તેમજ કુદરત સાથેના માનવ સંબંધ જેવા વિષયો પર વિસ્તૃત રીતે વાત કરી હતી. તેમણે આજના માનવીની કુદરતથી વધતી વિમુખતા અંગે પણ ચિંતનાત્મક દૃષ્ટિકોણ રજૂ કર્યો હતો.
વ્યાખ્યાન દરમિયાન વિવિધ દ્રષ્ટાંતો અને કવિતાના ઉદાહરણો દ્વારા તેમણે પોતાની વાતને વધુ અસરકારક બનાવી, જેના કારણે વિદ્યાર્થીઓ સમગ્ર સમય દરમિયાન રસપૂર્વક જોડાયેલા રહ્યા હતા. આ વ્યાખ્યાન વિદ્યાર્થીઓ માટે પ્રેરણા અને વિચારપ્રવર્તક સાબિત થયું હતું.

#વાપીરોફેલકોલેજ #રોફેલકોલેજવાપી #રોફેલઆર્ટ્સકોમર્સ #ડૉજયંતીચૌધરી #VNSGU #VNSGUડીન #સુરતયુનિવર્સિટી #વાપીકોલેજ #કોલેજકાર્યક્રમ #વિદ્યાર્થીવ્યાખ્યાન #પ્રેરણાદાયીવક્તવ્ય #વાપીન્યુઝ

—–

ઉમરસાડીમાં પૂર્વ પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટરનું વિતરણ

વાપી તાલુકાના ઉમરસાડી સ્થિત ગુલબાઈ ગાંધી પૂર્વ પ્રાથમિક વિભાગ શાળામાં શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખી સ્વેટર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત શાળામાં અભ્યાસ કરતા નર્સરીથી ધોરણ 5 સુધીના તમામ બાળકોને ઉદવાડા-ઓરવાડ ગામના વતની નિખિલભાઈ દેસાઈ તરફથી વિનામૂલ્યે સ્વેટર ભેટમાં આપવામાં આવ્યા હતા.
સ્વેટર મળતાં શાળાના નાના બાળકોના ચહેરા પર ખુશીની ઝલક જોવા મળી હતી અને વાલીઓએ પણ આ સેવાભાવને વખાણી આનંદ વ્યક્ત કર્યો હતો. આ દાન કાર્ય સફળ બનાવવા માટે શાળાની શિક્ષિકા બીજલબેન ધર્મેશભાઈ દેસાઈનો વિશેષ સહકાર રહ્યો હતો.
આ પ્રસંગે શાળાના મંડળ આચાર્ય પિયુષભાઈ પટેલ, પ્રાથમિક શાળાના સુપરવાઈઝર મીનાક્ષી દેસાઈ તેમજ શિક્ષક નિખિલભાઈ ખંડુભાઈ દેસાઈએ દાતાશ્રી નિખિલભાઈ દેસાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સેવાભાવથી કરાયેલા આ કાર્યથી સમાજમાં સહકાર અને માનવતાનો સકારાત્મક સંદેશ પ્રસરી રહ્યો છે.

#ઉમરસાડી #સ્વેટરવિતરણ #વાપીશાળાસમાચાર #ગુલબાઈગાંધીશાળા #બાળકોનેસ્વેટર #વાપીતાલુકાશિક્ષણ #શિક્ષણસમાચાર #વાપીન્યુઝ
———–

વાપી જૈન યુવક મંડળ સ્કૂલની ગર્લ્સ હેન્ડબોલ ટીમે ગોલ્ડ મેડલ જીત્યો

વાપીની શ્રી જૈન યુવક મંડળ ઈંગ્લિશ મીડિયમ સ્કૂલે ખેલ મહાકુંભમાં ઝળહળતી સિદ્ધિ હાંસલ કરી છે. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજિત ખેલ મહાકુંભ અંતર્ગત બિલીમોરા ખાતે યોજાયેલી સાઉથ ઝોન અંડર-14 ગર્લ્સ હેન્ડબોલ ટુર્નામેન્ટમાં શાળાની વિદ્યાર્થીનીઓએ શાનદાર પ્રદર્શન કરી પ્રથમ ક્રમ મેળવી ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.
આ સાઉથ ઝોન ટુર્નામેન્ટમાં ડાંગ, નવસારી, સુરત શહેર, સુરત ગ્રામિણ, ભરૂચ, નર્મદા અને તાપી જિલ્લાની મજબૂત ટીમોએ ભાગ લીધો હતો. કઠિન મુકાબલાઓ વચ્ચે શ્રી જૈન યુવક મંડળ સ્કૂલની ગર્લ્સ ટીમે ઉત્તમ ટીમવર્ક, રમતની સમજ અને આત્મવિશ્વાસથી જીત મેળવી વાપીનું નામ ગૌરવપૂર્ણ રીતે ઉજાગર કર્યું છે.
ગોલ્ડ મેડલ જીતતા હવે શાળાની વિદ્યાર્થીનીઓ રાજ્યકક્ષાએ સાઉથ ઝોનનું પ્રતિનિધિત્વ કરશે, જે સમગ્ર શાળા માટે ગૌરવની બાબત બની છે. આ સફળતા બદલ શાળાના સંચાલકો તથા આચાર્યા શ્રદ્ધાબેન દેસાઈ દ્વારા ખેલાડીઓ અને કોચનો સન્માન કરી અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સમગ્ર શાળા પરિવાર દ્વારા પણ વિજેતા ટીમને શુભેચ્છાઓ આપવામાં આવી હતી.

#વાપીજૈનયુવકમંડળસ્કૂલ #ગર્લ્સહેન્ડબોલ #ગોલ્ડમેડલ #ખેલમહાકુંભ2025 #સાઉથઝોન #હેન્ડબોલટુર્નામેન્ટ #વાપીશાળારમતગમત #વાપીન્યુઝ
——–

શાંતિ રથ દ્વારા આધ્યાત્મિક જાગૃતિ, વ્યસન મુક્તિ અને મૂલ્યઆધારિત જીવનશૈલી માટે પ્રેરણા

પારડી તાલુકાના ઉદવાડા તેમજ આજુબાજુના દસ ગામોમાં બ્રહ્માકુમારી સંસ્થાના “બિલિયન મિનિટ્સ ઓફ પીસ અપીલ પ્રોજેક્ટ” અંતર્ગત શાંતિ રથનું આગમન થતાં સમગ્ર વિસ્તારમાં શાંતિ, સુખ અને આધ્યાત્મિક જાગૃતિનો સંદેશ પ્રસરી ગયો હતો. શાંતિ રથના આગમન પ્રસંગે બ્રહ્માકુમારી પારુલબેન, બ્રહ્માકુમારી મીનલબેન સાથે ગામના અગ્રણી નાગરિકો, યુવા મિત્રો, મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા કલશધારી બહેનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ અવસરે કુંભકર્ણના મૂવિંગ મોડેલ અને વિશાળ સ્ક્રીન પર રજૂ થયેલા વિડિઓ દ્વારા શાંતિ, પ્રેમ, સુખ અને રાજયોગ ધ્યાનના સંદેશો આપવામાં આવ્યા હતા. બ્રહ્માકુમારી વિદ્યાલયની વરિષ્ઠ બહેનોએ જણાવ્યું હતું કે આજના યાંત્રિક યુગમાં માનસિક શાંતિ, સકારાત્મક વિચારશક્તિ અને સ્વ-પરિવર્તન અત્યંત જરૂરી બની ગયું છે. વધતી ચિંતા અને અશાંતિથી પીડાતા સમાજને શાંતિ રથ દ્વારા આધ્યાત્મિક જાગૃતિ, વ્યસનમુક્તિ અને મૂલ્યઆધારિત જીવનશૈલી તરફ દોરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમ દરમિયાન લોકોને દરરોજ ઓછામાં ઓછા પાંચ મિનિટ શાંતિ માટે મેડિટેશન અને પ્રાર્થના કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. સ્થળ પર હાજર ગ્રામજનોને રાજયોગ ધ્યાનનું પ્રાયોગિક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું, જેના દ્વારા અનેક લોકોએ મનની શાંતિ અને આંતરિક શક્તિનો અનુભવ કર્યો હતો. અનેક નાગરિકોએ આ અનુભવને જીવનમાં સકારાત્મક બદલાવ લાવનાર ગણાવ્યો હતો.
કાર્યક્રમના અંતે ગામના આગેવાનો અને સેવા કેન્દ્ર તરફથી શાંતિ રથ ટીમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. બ્રહ્માકુમારી પારુલબેને ગ્રામજનોને વિનામૂલ્ય રાજયોગ કોર્સ કરવા માટે પ્રેરણા આપતા જણાવ્યું હતું કે સવારે 8થી 11 અને સાંજે 5થી 8 દરમિયાન ધ્યાન શીખવા માટે સેવા કેન્દ્રની મુલાકાત લઈ શકાય છે.

#શાંતિરથ #બ્રહ્માકુમારી #બ્રહ્માકુમારીશાંતિરથ #પારડી #ઉદવાડા #આધ્યાત્મિકજાગૃતિ #વ્યસનમુક્તિ #રાજયોગધ્યાન #બિલિયનમિનિટ્સઓફપીસ #વલસાડજિલ્લાસમાચાર
——-

પંચદેવ મંદિરની પ્રાણપ્રતિષ્ઠામાં પણ ઉપસ્થિત રહેવાની જાહેરાત, લવાછા કથામાં રામભદ્રાચાર્યનું સંબોધન

વાપી નજીક આવેલા લવાછા ખાતે આયોજિત કથામાં પદ્મવિભૂષણ સંતશ્રી જગતગુરૂ રામભદ્રાચાર્યએ રામલીલાનું વિસ્તૃત વર્ણન કરી ભક્તોને ભાવવિભોર કર્યા હતા. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની બાળલીલાઓના પ્રસંગોથી સમગ્ર કથા મંડપ ભક્તિમય વાતાવરણમાં પરિવર્તિત થયો હતો.
કૌશલ્યાદેવી અગ્રવાલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત આ કથામાં વાપી, દમણ, સેલવાસ તથા આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અને કથાનું રસપાન કરી રહ્યા છે. કથા મંડપ ભક્તોથી સંપૂર્ણ ભરાઈ ગયો હતો. મંડપની અંદર જેટલા ભક્તો હાજર હતા, એટલા જ ભક્તો મંડપની બહાર પણ શિસ્તબદ્ધ રીતે ઊભા રહી કથા શ્રવણ કરતા જોવા મળ્યા હતા.

#વાપીસમાચાર #લવાછાકથા #રામભદ્રાચાર્ય #સંતશ્રીરામભદ્રાચાર્ય #ધાર્મિકકાર્યક્રમ #BhagwatKatha #VapiNews #Hinduism #GujaratNews #વાપીલવાછાકથા #રામભદ્રાચાર્યકથા #લવાછાધાર્મિકકાર્યક્રમ #પંચદેવમંદિર #પ્રાણપ્રતિષ્ઠા #વાપીધાર્મિકસમાચાર #સંતરામભદ્રાચાર્ય #VapiReligiousNews

——–

છરવાડા ખોડીયાર નગરમાં વારકરી સંપ્રદાય દ્વારા આયોજિત રામકથા શરૂ, પાંચમા દિવસે રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત

વાપી નજીક છરવાડા ખોડીયાર નગર ખાતે વારકરી સંપ્રદાય વાપી દ્વારા આયોજિત રામકથાના પાંચમા દિવસે પૂર્વ મંત્રી તથા વર્તમાન ધારાસભ્ય રમણભાઈ પાટકર (182-ઉમરગાવ વિધાનસભા મત વિસ્તાર), જિ. ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લાના સંયોજક મહેશભાઈ ભટ્ટ, ભાજપ ઉમરગામ તાલુકા ઉપ-પ્રમુખ ચિરાગભાઈ અને પૂર્વ મહામંત્રી ભાજપ રામદાસ વરઠા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોએ કથા શ્રવણ કરી આરતીમાં શ્રદ્ધાપૂર્વક ભાગ લીધો હતો તેમજ કથા વાંચક મહારાજના આશીર્વાદ લીધા હતા.
આ રામકથાનું આયોજન માધવ મુસ્લે તથા અન્ય આયોજકો દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં વ્યવસ્થાઓને લઈને શ્રદ્ધાળુઓમાં સંતોષ જોવા મળ્યો હતો.

#છરવાડાસમાચાર #ખોડીયારનગર #રામકથા #વારકરીસંપ્રદાય #વાપીસમાચાર #UmargamNews #BJPLeaders #ReligiousEvent #GujaratNews #છરવાડાખોડીયારનગરરામકથા #વારકરીસંપ્રદાયવાપીરામકથા #રમણભાઈપાટકરરામકથા #ઉમરગામવિધાનસભાસમાચાર #વાપીનજીકધાર્મિકકાર્યક્રમ #રામકથાયોજનાછરવાડા

———

વાપી CA ક્રિકેટ ટૂર્નામેન્ટમાં સ્ટાર્ટઅપ સ્ટ્રાઈકર્સ ટીમ વિજેતા, વોરિયર ઇલેવન રહી રનર-અપ

વાપી બ્રાંચ ઓફ WIRC ઓફ આઈસીએઆઈ દ્વારા સીએ સભ્યો માટે ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI)ની વેસ્ટર્ન ઇન્ડિયા રિજનલ કાઉન્સિલ (WIRC)ની વાપી બ્રાંચ દ્વારા જી. એમ. બિલાખિયા ક્રિકેટ ગ્રાઉન્ડ, મેરિલ વાપી ખાતે આ ટૂર્નામેન્ટ યોજાયું હતું. ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો, જેમાં ચેરમેન સુમિત્સ સ્ટ્રાઈકર્સ, વાઈસ ચેરમેન વિશાલ્સ વોરિયર્સ, સેક્રેટરી ધવલ્સ ડોમિનેટર્સ, ટ્રેઝરર સ્ટાર્ટઅપ સ્ટ્રાઈકર્સ તથા આસિફ્સ સ્પાર્ટન ઇલેવનનો સમાવેશ થતો હતો.
આ ટૂર્નામેન્ટમાં સ્ટાર્ટઅપ સ્ટ્રાઈકર્સ ટીમ વિજેતા બની હતી, જ્યારે વોરિયર ઇલેવન ટીમ રનર-અપ રહી હતી. વ્યક્તિગત સિદ્ધિઓમાં દીપ વોરાને મેન ઓફ ધ સિરીઝ, સાકિબ શેખને મેન ઓફ ધ મેચ, અજિત ઠાકુરને બેસ્ટ બેટ્સમેન, અવિ બાફનાને બેસ્ટ બોલર તથા રોમિત પ્રજાપતિને બેસ્ટ ફિલ્ડર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
વાપી બ્રાંચના ચેરમેન સીએ સુમિત દોશીએ તમામ ખેલાડીઓની પ્રશંસા કરી હતી અને વિજેતા તથા રનર-અપ ટીમને ટ્રોફી અને મેડલ આપી સન્માનિત કર્યા હતા. વાપી બ્રાંચ સ્પોર્ટ્સ કમિટી, જેના નેતૃત્વમાં સીએ આસિફ ઇસાની અને સીએ શિનોજ મેથ્યુ હતા, તેમજ સમગ્ર ટીમે આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ અવસરે વાપી બ્રાંચના સેક્રેટરી સીએ ધવલ ભાનુશાલીએ ટૂર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.

#વાપીસમાચાર #CATournament #ICAIWIRC #VapiCricket #CharteredAccountants #SportsNews #StartupStrikers #GujaratNews #CAVapi #વાપીCAક્રિકેટટૂર્નામેન્ટ #સ્ટાર્ટઅપસ્ટ્રાઈકર્સવિજેતા #ICAIWIRCવાપીબ્રાંચ #સીએક્રિકેટટૂર્નામેન્ટવાપી #VapiCACricketNews

———–

વાપીના ચલા વિસ્તારમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ બહાર ધોરણ-10ના વિદ્યાર્થીઓ સાથે બહારના ઇસમોની મારામારી, વીડિયો વાયરલ

વાપી વિસ્તારમાં આવેલી એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના ધોરણ-10ના વિદ્યાર્થીઓ સાથે બહારના ઇસમોએ જાહેરમાં મારામારી કરી ગાળો આપ્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વીડિયોમાં કેટલાક અસામાજિક તત્વો વિદ્યાર્થીઓને હાથ અને લાતથી મારતા જોવા મળે છે, જ્યારે અન્ય વિદ્યાર્થીઓ તેમને બચાવવા માટે વચ્ચે પડતા પણ દેખાઈ રહ્યા છે.
આ ઘટના વાપીના ચલા વિસ્તારમાં આવેલી એક ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની બહાર આવેલા કોમ્પ્લેક્ષની પાર્કિંગમાં શનિવારે બની હતી. ઘટનાનો સમગ્ર દૃશ્ય નજીકની એક દુકાનમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો. વીડિયોમાં બહારના કેટલાક ઇસમો શાળાના વિદ્યાર્થીઓને ગંદી ગાળો આપી માર મારતા હોવાનું સ્પષ્ટ રીતે જોવા મળે છે. ધોરણ-10ના વિદ્યાર્થીઓ પર હુમલો થતાં તેમના સહપાઠીઓ તેમને બચાવવાનો પ્રયાસ કરતા પણ દેખાય છે, જોકે હુમલાખોરો દ્વારા ગાળો સાથે મારામારી ચાલુ રાખવામાં આવી હતી.
આ ઘટના અંગે હજી સુધી પોલીસમાં કોઈપણ પ્રકારની ફરિયાદ નોંધાવવામાં આવી નથી. ચલા વિસ્તારમાં આવેલી અનેક શાળાઓની બહાર કેટલાક તત્વો દ્વારા ઉભા રહી ટપોરીગિરી કરવામાં આવતી હોવાની ચર્ચા સ્થાનિક સ્તરે થાય છે. આ ઘટનાએ વાલીઓ અને શાળા સંચાલકોમાં ચિંતા ઊભી કરી છે.
ઉલ્લેખનીય છે કે જિલ્લા અને સંઘપ્રદેશની કેટલીક શાળાઓમાં છેલ્લા કેટલાક સમયથી વિદ્યાર્થીઓ વચ્ચે તેમજ બહારના ઇસમો સાથે બબાલાની ઘટનાઓ સામે આવી રહી છે. સેલવાસ અને વાપીની કેટલીક શાળાઓમાં અગાઉ પણ મારામારીના બનાવો નોંધાયા હોવાની ચર્ચા છે.

#વાપીસમાચાર #ચલાવિસ્તાર #SchoolViolence #StudentAssault #ViralVideo #VapiNews #EnglishMediumSchool #GujaratNews #SelvasNews #વાપીશાળાબહારમારામારી #ચલાવિસ્તારવિદ્યાર્થીઓપરહુમલો #વાપીધોરણ10મારામારી #SchoolViolenceVapi #ViralSchoolFightGujarat

———–
પારડી–ચીવલ રોડ પર ટ્રક-રિક્ષા અકસ્માતમાં ઘવાયેલા રિક્ષા ચાલકનું સારવાર દરમિયાન મોત

પારડી–ચીવલ રોડ પર ગત શુક્રવારે ટ્રક અને રિક્ષા વચ્ચે થયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા રિક્ષા ચાલકનું શનિવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર બે પેસેન્જર પણ ઇજાગ્રસ્ત થયા હતા.
શુક્રવારે પારડી–ચીવલ રોડ પર દીપકવાડી પાસે નાનાપોઢા તરફથી પેસેન્જર ભરીને આવી રહેલી રિક્ષા અને પારડી તરફથી નાનાપોઢા જતી ટ્રક સામસામે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર બાદ રિક્ષા પલટી મારી ગઈ હતી. અકસ્માતમાં રિક્ષા ચાલક ઉત્તમ પ્રેમાભાઈ પટેલ (ઉંમર 65), રહેવાસી નાના વાઘછીપા, બાવીસા ફળિયા, પારડી, ગંભીર રીતે ઘવાયા હતા.
અકસ્માત સમયે રિક્ષામાં સવાર પેસેન્જર પ્રિયાબેન રાઠોડ અને ગીતાબેન ઉત્તમભાઈ પણ ઇજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે, ઉત્તમ પ્રેમાભાઈ પટેલની હાલત નાજુક હોવાથી શનિવારે સવારે સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ મામલે પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને ટ્રક ચાલક વિરુદ્ધ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

#પારડીસમાચાર #ચીવલરોડઅકસ્માત #રિક્ષાઅકસ્માત #ટ્રકરિક્ષાટક્કર #PardiAccident #ValsadNews #RoadAccident #GujaratNews

————-
સલવાવ ઓવરબ્રિજ પર 4 મહિલાને લઈ જતી PHC એમ્બ્યુલન્સને અકસ્માત, ટ્રક ચાલક ફરાર

સુખલાવથી ચાર મહિલાને કુટુંબ નિયોજનના ઓપરેશન માટે વાપી ચલા લઈ જતી પીએચસી એમ્બ્યુલન્સને ગુરુવારે સલવાવ ઓવરબ્રિજ પર અકસ્માત નડ્યો હતો. પાછળથી ટ્રકે ટક્કર મારતાં એમ્બ્યુલન્સ આગળ ચાલતી કાર સાથે અથડાઈ હતી, જેના કારણે થોડા સમય માટે હાઇવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સદનસીબે આ અકસ્માતમાં કોઈને ઈજા પહોંચી ન હતી.
પારડી તાલુકાના સુખેશ પારસી ફળિયામાં રહેતા અમૃતભાઈ ગોપાલભાઈ પટેલ છેલ્લા 16 વર્ષથી સુખલાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં એમ્બ્યુલન્સ ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. ગુરુવારે સવારે આશરે 8 વાગ્યે તેઓ સુખલાવ પીએચસીની એમ્બ્યુલન્સમાં ચાર મહિલા દર્દીઓને બેસાડી, ફીમેલ હેલ્થ વર્કર મીનલબેન પટેલ સાથે કુટુંબ નિયોજનના ઓપરેશન માટે વાપી ચલા તરફ રવાના થયા હતા.
સવારે આશરે 8.50 વાગ્યે વાપી સલવાવ ઓવરબ્રિજ પર પહોંચતાં ટ્રક નં. GJ-15-YY-1526ના ચાલકે પૂરઝડપે પાછળથી એમ્બ્યુલન્સને ટક્કર મારી હતી. ટક્કરના કારણે એમ્બ્યુલન્સ આગળ ચાલતી કારમાં અથડાઈ ગઈ હતી. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન સાથે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
અકસ્માતમાં એમ્બ્યુલન્સમાં સવાર ચારેય મહિલાઓ અને સ્ટાફને કોઈ ઈજા પહોંચી ન હતી. બાદમાં એમ્બ્યુલન્સના ડ્રાઇવરે આ બાબતે પોલીસમાં ફરાર ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ફરાર ચાલકની શોધખોળ શરૂ કરી છે.

#વાપીસમાચાર #સલવાવઓવરબ્રિજ #PHCએમ્બ્યુલન્સ #કુટુંબનિયોજન #RoadAccident #PardiTaluka #GujaratNews #AmbulanceAccident #સલવાવઓવરબ્રિજઅકસ્માત #વાપીPHCએમ્બ્યુલન્સઅકસ્માત #સુખલાવPHCએમ્બ્યુલન્સ #કુટુંબનિયોજનએમ્બ્યુલન્સ #VapiAmbulanceAccidentNews

——–

How do you feel about this story?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *