વાસુર્ણા ગામમાં 5 લાખની મિની પાઈપલાઈન યોજના કાગળ પર જ, નળમાં આજે પણ પાણી નહીં
ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના સુપરવિઝનના અભાવે યોજનાઓ નિષ્ફળ થતી હોવાના આરોપ
ડાંગ જિલ્લાના આહવા તાલુકાના વાસુર્ણા ગામમાં પીવાના પાણીની સમસ્યા દૂર કરવા માટે મંજૂર કરાયેલી મિની પાઈપલાઈન યોજના પૂર્ણ થયાને ઘણા મહિના વીતી ગયા હોવા છતાં આજદિન સુધી ગ્રામજનોને નળમાંથી એક ટીપુ પાણી પણ મળ્યું નથી. સરકાર દ્વારા લાખો રૂપિયાનું ભંડોળ ફાળવવામાં આવ્યું હોવા છતાં યોજનાનો લાભ ન મળતા લોકોમાં ભારે રોષ ફેલાયો છે.
ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન 100 ઇંચથી વધુ વરસાદ પડતો હોવા છતાં ઉનાળાની ઋતુમાં પીવાના પાણી માટે ગ્રામજનોને વલખાં મારવા પડે છે. પીવાનું, પશુપાલન તેમજ ખેતી માટે પૂરતું પાણી મળી રહે તે હેતુસર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દર વર્ષે અનેક પાણી પુરવઠા યોજનાઓ માટે કરોડોની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. પરંતુ ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના અધિકારીઓના પૂરતા સુપરવિઝનના અભાવે ઘણી યોજનાઓ ક્યાંક અધૂરી, તો ક્યાંક માત્ર કાગળ પર જ સીમિત રહી ગઈ હોવાના આક્ષેપો ઉઠી રહ્યા છે.
આહવા તાલુકાના વાસુર્ણા ગામમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે. ગામમાં મીની પાઈપલાઈન યોજના માટે રૂ. 5 લાખની મંજૂરી આપવામાં આવી હતી. યોજનાનું કામ તારીખ 03/11/2023ના રોજ શરૂ થયું હતું અને 27/04/2024ના રોજ પૂર્ણ થયાનું દર્શાવવામાં આવ્યું છે. પરંતુ યોજના પૂર્ણ થયા બાદ આજ સુધી નળમાં પાણી આવ્યું નથી, જેના કારણે ગ્રામજનોને પીવાના પાણી માટે અન્ય સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડે છે.
સ્થાનિક લોકોનું કહેવું છે કે, ડાંગ જિલ્લામાં પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઇજનેરની નિમણૂક બાદ અનેક ગામોની પાણી યોજનાઓ બિનકાર્યરત બની ગઈ છે. યોજનાઓ અમલમાં મૂકતી વખતે યોગ્ય દેખરેખ ન રાખવામાં આવતી હોવાથી સરકારની મહત્ત્વાકાંક્ષી યોજનાઓ નિષ્ફળ સાબિત થઈ રહી છે. ઉનાળાની ઋતુ શરૂ થવા પહેલા ગામેગામ સર્વે કરીને પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત બનાવવાની માંગ પણ ઉઠી છે.
એક સ્થાનિક ગ્રામજનએ જણાવ્યું હતું કે, “બે વર્ષ પહેલા મીની પાઈપલાઈન યોજના શરૂ કરવામાં આવી હતી, પરંતુ આજદિન સુધી અમોને એક પણ ટીપુ પાણી મળ્યું નથી. સરકાર આ બાબતે તાત્કાલિક તપાસ કરાવી અમોને પીવાનું પાણી ઉપલબ્ધ કરાવે તેવી અમારી માંગ છે.”
#ડાંગ સમાચાર, #વાસુર્ણા ગામ, #પાણી પુરવઠા યોજના, #મિની પાઈપલાઈન, #પીવાનું પાણી સમસ્યા, #Dang Water Issue, #Rural Water Supply, #વાસુર્ણા પાણી સમસ્યા, #ડાંગ પાણી પુરવઠા વિભાગ, #મિની પાઈપલાઈન યોજના નિષ્ફળ, #Dang Water Supply Issue, #Gujarat Rural Water Problem
આહવા શહીદ સ્મારકની પ્રતિમાનો અપમાન, સૈનિકની ટોપી અને બંદૂક ગાયબ થતા ઉગ્ર રોષ
ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવામાં આવેલા શહીદ સ્મારક પરથી ભારતીય સેનાના જવાનની પ્રતિમાની ટોપી અને બંદૂક ગાયબ થઈ જતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. રાષ્ટ્રપ્રેમ અને દેશ માટે શહાદત આપનાર વીરોની સ્મૃતિ સાથે જોડાયેલા આ પવિત્ર સ્થળે થયેલી આ ઘટના સામે સ્થાનિક નાગરિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.
આહવા સ્થિત શહીદ સ્મારક પર સ્થાપિત સૈનિકની પ્રતિમાના મહત્વપૂર્ણ ભાગો અજાણ્યા તત્વો દ્વારા હટાવી લેવાતા આ ઘટનાની જાણ સ્થાનિક જાગૃત નાગરિક હરીરામ સાવંતે ટેલિફોનિક માધ્યમથી ડાંગ જિલ્લાના પોલીસ નિરીક્ષકને કરી હતી. જાણ મળતાની સાથે જ પોલીસ નિરીક્ષક દ્વારા તાત્કાલિક શહીદ સ્મારકની મુલાકાત લેવામાં આવી હતી અને સમગ્ર મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ડાંગ જિલ્લાનું આ શહીદ સ્મારક રાષ્ટ્રપ્રેમ, શૌર્ય અને બલિદાનનું પ્રતીક માનવામાં આવે છે. અહીંથી પ્રતિમાની ટોપી અને બંદૂક જેવી ચીજો ગાયબ થવી માત્ર ચોરી નહીં પરંતુ શહીદોના સન્માન પર ઘા સમાન હોવાનું લોકો જણાવી રહ્યા છે. સ્થાનિક નાગરિકોએ આ અસામાજિક કૃત્યને ઘોર નિંદનીય ગણાવી દોષિતોને ઝડપથી પકડવા કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે.
પોલીસ દ્વારા સ્મારક આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરવામાં આવી છે તેમજ આ ઘટનામાં સંડોવાયેલા તત્વોને શોધવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. લોકોનું કહેવું છે કે, શહીદોના સ્મારકની સુરક્ષા માટે યોગ્ય પગલાં લેવાય અને આવી ઘટનાઓ ફરી ન બને તે માટે તંત્રએ કડક વ્યવસ્થા કરવી જોઈએ.
#આહવા સમાચાર, #ડાંગ જિલ્લો, #શહીદ સ્મારક, #સૈનિક પ્રતિમા, #રાષ્ટ્રપ્રેમ, #શહીદોનું અપમાન, #Dang News, #આહવા શહીદ સ્મારક, #સૈનિક પ્રતિમાની ટોપી ગાયબ, #ડાંગ શહીદ સ્મારક ચોરી, #Dang Shaheed Smarak News
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
