વાપીના જી. એમ. બિલખિયા સ્ટેડિયમ ખાતે ‘ગુજરાત અંધજન મહિલા ક્રિકેટ કપ’ ટુર્નામેન્ટનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સલવાવ સ્થિત શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠ અને અમદાવાદની ઓમકાર અંધજન સેવા સંસ્થાનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી આ સ્પર્ધામાં રાજ્યભરમાંથી 6 ટીમોએ ભાગ લીધો હતો. ફાઈનલ મુકાબલો વસ્ત્રાપુર (અમદાવાદ) અને રાણીપ ઈલેવન વચ્ચે ખેલાયો હતો. રાણીપની ટીમે આપેલા 124 રનના લક્ષ્યાંકને વસ્ત્રાપુરની ટીમે માત્ર 14મી ઓવરમાં પાર કરી ચેમ્પિયન ટ્રોફી પર કબજો જમાવ્યો હતો.
આ ટુર્નામેન્ટમાં વસ્ત્રાપુર, મેમનગર, તાપી, ડાંગ, અંધજન મહિલા મંડળ અને રાણીપની ટીમોએ મેદાનમાં ઉતરી પોતાની પ્રતિભા દર્શાવી હતી. વસ્ત્રાપુરની બેટર મીનાએ ફાઈનલમાં શાનદાર 44 રન ફટકારી પોતાની ટીમને વિજય અપાવ્યો હતો, જેના માટે તેને ‘વુમન ઓફ ધ મેચ’ જાહેર કરાઈ હતી. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન 115 રન ફટકારનાર કૌશલને ‘વુમન ઓફ ધ સીરીઝ’નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. વિજેતા ટીમને 15,000 રૂપિયા અને ટ્રોફી, રનર્સ અપ રાણીપ ટીમને 12,500 રૂપિયા અને ત્રીજા સ્થાને રહેલી ડાંગની ટીમને 10,500 રૂપિયાના પુરસ્કારથી નવાજવામાં આવ્યા હતા.
લીગ મેચોમાં ખેલાડીઓનું દમદાર પ્રદર્શન
ટુર્નામેન્ટની શરૂઆતની મેચોમાં પણ રોમાંચક રમત જોવા મળી હતી. પ્રથમ મેચમાં વસ્ત્રાપુરની ચેતનાએ શાનદાર બેટિંગ કરીને વુમન ઓફ ધ મેચનો એવોર્ડ જીત્યો હતો. રાણીપ અને તાપી વચ્ચેની મેચમાં ઓલરાઉન્ડર તકુ ચમકી હતી, જ્યારે ડાંગ અને મેમનગર વચ્ચેના મુકાબલામાં શ્રૃતિએ બાજી મારી હતી. રાણીપની કૌશલે ટુર્નામેન્ટની ચોથી મેચમાં વ્યક્તિગત સર્વાધિક 79 રન ફટકારીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
વુમન ઓફ ધ સીરીઝની દોડમાં કૌશલ બાદ ચેતના 93 રન સાથે બીજા અને કલ્પના 81 રન સાથે ત્રીજા ક્રમે રહી હતી. આ બહેનોએ સાબિત કરી દીધું કે દ્રષ્ટિની ખામી તેમના ખેલ પ્રત્યેના ઝનુન અને આત્મવિશ્વાસને ડગાવી શકતી નથી. વાપીના ખેલપ્રેમીઓએ પણ સ્ટેડિયમમાં હાજર રહી ખેલાડીઓને જોરદાર પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
સમાજ સેવા અને ખેલનો સમન્વય
શ્રી સ્વામિનારાયણ જ્ઞાનપીઠના કપિલ સ્વામીજીએ તમામ ખેલાડીઓનો ઉત્સાહ વધારતા આશીર્વચન પાઠવ્યા હતા. ઓમકાર અંધજન સેવા સંસ્થાનના વિક્રમભાઈએ ઉપસ્થિત સૌને અંધ બહેનોની ક્રિકેટના વિશિષ્ટ નિયમોથી માહિતગાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આ ટુર્નામેન્ટમાં નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે રમી ચૂકેલા ખેલાડીઓએ પણ ભાગ લીધો છે, જે આ ટુર્નામેન્ટની ગુણવત્તા દર્શાવે છે.
આ આયોજનને સફળ બનાવવા માટે રામ સ્વામીજી, હરિ સ્વામીજી તેમજ ટ્રસ્ટીઓ બાબુભાઈ, હરેશભાઈ અને મનસુખભાઈએ મહત્વનું યોગદાન આપ્યું હતું. એકેડમીક ડાયરેક્ટર ડો. શૈલેષ લુહાર અને એડમિન ડાયરેક્ટર હિતેન ઉપાધ્યાયની દેખરેખ હેઠળ સમગ્ર વિદ્યાધામ પરિવારે વ્યવસ્થાઓ સંભાળી હતી. સ્પર્ધામાં ભાગ લેનારી અન્ય ટીમોને પણ પ્રોત્સાહન રૂપે 5-5 હજાર રૂપિયાનું ઈનામ આપવામાં આવ્યું હતું.
#વાપી #ક્રિકેટન્યૂઝ #પ્રજ્ઞાચક્ષુ #મહિલાક્રિકેટ #વસ્ત્રાપુર #અમદાવાદ #રમતગમત #ગુજરાત
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

[…] […]