વિયેતનામના પિન્ક જમરુખ સાથે આંતરપાકથી ત્રણ પાકની કમાણી, મોરખલના ખેડૂતનો અનોખો પ્રયોગ
વલસાડ જિલ્લાના નાનાપોંઢા વિસ્તારના ખેડૂતો હવે પરંપરાગત ખેતીથી આગળ વધી નવી નવી પદ્ધતિઓ અપનાવી પોતાની આવકમાં નોંધપાત્ર વધારો કરી રહ્યા છે. મોટાપોંઢા નજીક દાદરા નગર હવેલી બોર્ડર પાસે આવેલા મોરખલ ગામના પ્રગતિશીલ ખેડૂત આન્ડ્રૂ મારિયો ઉર્ફે આદિત નૂન્સે વિયેતનામના પિન્ક પેરૂ (જમરુખ) સાથે પીળી-કાળી હળદર અને ગલગોટાના ફૂલોનું આંતરપાક કરી એકસાથે ત્રણ પાક લઈ ખેતી ક્ષેત્રે નવી દિશા બતાવી છે.
આદિત નૂન્સે જણાવ્યું કે તેઓ બાપદાદાથી ખેતી સાથે જોડાયેલા છે. ત્રણ વર્ષ પહેલા તેમણે શિમલાના સફરજનની ખેતી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હવામાન અને પાણીની સમસ્યાને કારણે પાક નિષ્ફળ ગયો. ત્યારબાદ છેલ્લા બે વર્ષથી તેમણે વિયેતનામ પિન્ક પેરૂની ખેતી શરૂ કરી છે. હાલ તેમના ખેતરમાં અઢી વર્ષના અંદાજે સાડા ચાર હજાર જેટલા ઝાડ છે. આ ઝાડો પર વર્ષભર ફળ આવે છે અને એક ઝાડ પરથી વર્ષે સરેરાશ 15થી 20 ફળ મળે છે. સ્થાનિક બજારમાં પિન્ક પેરૂને સારો ભાવ મળતો હોવાથી ખેતી લાભદાયક સાબિત થઈ રહી છે.
પિન્ક પેરૂની સાથે તેમણે આંતરપાક તરીકે પીળી હળદર, કાળી હળદર અને ગલગોટાના ફૂલોનું વાવેતર કર્યું છે. ગલગોટાના ફૂલો પર મધમાખીઓ આવતી હોવાથી પરાગણ પ્રક્રિયા સ્વાભાવિક રીતે વધે છે અને જમરુખના ઉત્પાદનમાં પણ વધારો થાય છે. હાલ ઉત્પાદનની શરૂઆત હોવાથી ઓછું ઉત્પાદન મળી રહ્યું છે, પરંતુ આવનારા સમયમાં જમરુખનું ઉત્પાદન બમણું થવાની સંભાવના છે. મે અને જૂન માસમાં હળદરનો પાક પણ તૈયાર થઈ જશે.
પ્રાકૃતિક ખેતીથી ખર્ચ ઘટ્યો
આદિત નૂન્સે જણાવ્યું કે જમરુખની ખેતી સંપૂર્ણ રીતે પ્રાકૃતિક પદ્ધતિથી કરવામાં આવે છે. તમામ ઝાડોને ટપક સિંચાઈ પદ્ધતિથી પાણી આપવામાં આવે છે. જંતુનાશક તરીકે ગોળ અને છાસનું 8થી 10 દિવસ સુધી તૈયાર કરેલું મિશ્રણ વપરાય છે. સાથે ગૌમૂત્ર, 15 પ્રકારના કુદરતી અર્ક અને ગાયના છાણનો ખાતર તરીકે ઉપયોગ કરવામાં આવે છે, જેના કારણે ખર્ચ પણ ઘટે છે અને જમીનની ઉપજાઉ શક્તિ જળવાઈ રહે છે.
કાળી-પીળી હળદરનો ફાર્મા ઉદ્યોગમાં ઉપયોગ
ખેડૂતે વધુમાં જણાવ્યું કે કાળી હળદરની ખેતી અંગે મોટાભાગના ખેડૂતો અજાણ છે. કાળી હળદરમાં અનેક ઔષધિય ગુણો હોવાથી ફાર્માસ્યુટિકલ કંપનીઓમાં તેની ભારે માંગ છે. ગત વર્ષે પીળી હળદરનો પાક સેલવાસની એક કંપનીએ ખરીદી લીધો હતો અને તેનો રિપોર્ટ પણ ખૂબ સારો આવ્યો હતો. આ વર્ષે પ્રથમ વખત પીળી સાથે કાળી હળદરનું પણ આંતરપાક કરવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં વધુ આવક આપશે તેવી આશા છે.
#વલસાડ ખેતી, #નાનાપોંઢા વિસ્તાર, #પ્રગતિશીલ ખેડૂત, #પિન્ક જમરુખ ખેતી, #આંતરપાક, #કુદરતી ખેતી, #Valsad Agriculture, #Pink Guava Farming, #વિયેતનામ પિન્ક જમરુખ ખેતી, #મોરખલ ગામ ખેડૂત, #આંતરપાકથી આવક, #Valsad Farmer Success Story, #Natural Farming Gujarat
──────────── ౨ৎ ────────────
લાયન્સ ક્લબ દમણ ટ્રસ્ટની માનવસેવા, દહીખેડ-બુરવડના સીમાડા વિસ્તારમાં ધાબળા વિતરણથી જરૂરિયાતમંદોને રાહત
નાનાપોંઢા નજીક દહીખેડ અને બુરવડ ગામના સીમાડા વિસ્તારમાં આવેલી માની ફળિયામાં રવિવારે Lions Club Daman (ટ્રસ્ટ) દ્વારા સેવાભાવી કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. શિયાળાની ઠંડી વચ્ચે અંતરિયાળ વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારોને ગરમ કપડાં, ધાબળા (બ્લેન્કેટ) તેમજ અન્ય આવશ્યક સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાયન્સ ક્લબ દમણ ટ્રસ્ટની ટીમે ગરીબ અને વંચિત પરિવારોની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આ સેવા કાર્ય હાથ ધર્યું હતું. ખાસ કરીને ઠંડીના દિવસોમાં ધાબળા અને ગરમ કપડાં મળતા સ્થાનિક લોકોમાં આનંદ અને રાહતનો અનુભવ થયો હતો. ટ્રસ્ટના સભ્યોએ માનવસેવાના ભાવ સાથે વ્યક્તિગત રીતે દરેક પરિવાર સુધી સામગ્રી પહોંચાડી હતી.
આ સેવાભાવી કામગીરીથી ગામના રહેવાસીઓએ લાયન્સ ક્લબ દમણ ટ્રસ્ટના પ્રયાસોની સરાહના કરી હતી અને ભવિષ્યમાં પણ આવા સમાજોપયોગી કાર્યક્રમો ચાલુ રાખવાની અપેક્ષા વ્યક્ત કરી હતી. શિયાળામાં જરૂરિયાતમંદોને સહારો આપતી આ કામગીરી માનવતા અને સામાજિક જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે.
#લાયન્સ ક્લબ દમણ, #નાનાપોંઢા સમાચાર, #દહીખેડ બુરવડ ગામ, #સેવાભાવી કાર્ય, #ધાબળા વિતરણ, #સામાજિક સેવા, #Lions Club Daman, #લાયન્સ ક્લબ દમણ ટ્રસ્ટ સેવા, #દહીખેડ બુરવડ ધાબળા વિતરણ, #નાનાપોંઢા સેવાભાવી સમાચાર, #Lions Club Social Work
──────────── ౨ৎ ────────────
ધરમપુરમાં માતાની તેરમા વિધિએ અનોખી પરંપરા, યુવાને 250 આંબા કલમ આપી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો
ધરમપુર તાલુકાના એક આદિવાસી યુવાને પોતાની સ્વર્ગસ્થ માતાની યાદમાં એવી અનોખી પહેલ કરી કે જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની ગઈ છે. માતાની તેરમા વિધિ દરમિયાન પરંપરાગત રીતે આપવામાં આવતી લાડુ-વાસણની જગ્યાએ 250 ફળાઉ આંબા કલમનું વિતરણ કરી પર્યાવરણ જાળવણીનો મજબૂત સંદેશ આપ્યો હતો.
ધરમપુરના વાલોડ ફળિયા, પશુ દવાખાના પાછળ રહેતા 59 વર્ષીય મંજુબેન રડીયાભાઈ નાયકા નું ટૂંકી માંદગી બાદ નિધન થયું હતું. તેમની તેરમા વિધિના દિવસે પુષ્પપાણી માટે આવનારા સગા-સંબંધીઓ, સ્થાનિક ગ્રામજનો તથા પરિચિતોને યાદગીરી સ્વરૂપે આંબા કલમ આપવામાં આવી હતી. સ્વર્ગસ્થ મંજુબેનના પુત્ર જગદીશભાઈ રડીયાભાઈ નાયકાએ જણાવ્યું કે માતાની યાદ માત્ર સ્મૃતિ સુધી સીમિત ન રહે, પરંતુ ભવિષ્યની પેઢી માટે ફળદાયી બને તે માટે આ વિચાર આવ્યો.
જગદીશભાઈએ કુલ 250 આંબા કલમનું વિતરણ કરી દરેકને તેનું વાવેતર અને યોગ્ય જતન કરવા વિનંતી કરી હતી. તેમણે જણાવ્યું કે આ કલમો આવનારા વર્ષોમાં ફળ આપશે અને સાથે માતાની યાદ તથા પર્યાવરણ સંરક્ષણ બંને જીવંત રહેશે.
આ અનોખી પહેલને આદિવાસી એકતા પરિષદ ધરમપુરના વિજય અટારા, સમસ્ત આદિવાસી સમાજ ધરમપુરના પ્રમુખ યોગેન્દ્ર ગરાસિયા સહિતના અગ્રણીઓએ બિરદાવેલી. સાથે જ ઉપસ્થિત પૂર્વ ધરમપુર નગરપાલિકા પ્રમુખ રાજેશ ચૌધરી, ધરમપુર શહેર કોંગ્રેસ પ્રમુખ નિર્મલ સુરતી અને અન્ય સમાજના આગેવાનોએ પણ આ કાર્યને સરાહ્યું હતું.
માતાની યાદમાં વૃક્ષારોપણ અને પર્યાવરણ જાળવણીને પ્રાધાન્ય આપતી આ પહેલે ધરમપુર સહિત સમગ્ર વિસ્તારમાં ચર્ચા જગાવી છે અને અનેક લોકોને આવી જ રીતે સામાજિક અને પર્યાવરણીય જવાબદારી નિભાવવાની પ્રેરણા આપી છે.
#ધરમપુર સમાચાર, #માતાની તેરમા વિધિ, #પર્યાવરણ જાગૃતિ, #વૃક્ષારોપણ, #આંબા કલમ, #આદિવાસી સમાજ, #સામાજિક પહેલ, #Green Initiative, #ધરમપુર માતાની તેરમા અનોખી પહેલ, #આંબા કલમ વિતરણ, #પર્યાવરણ જાગૃતિ ધરમપુર, #વૃક્ષારોપણ સામાજિક સંદેશ
──────────── ౨ৎ ────────────
કપરાડાનું કોલવેરા ડુંગર બન્યું પ્રવાસીઓનું નવું હોટસ્પોટ, કોલક નદીની લોકકથા અને કુદરતી સૌંદર્યનો અદભૂત સંગમ
દક્ષિણ ગુજરાતના કપરાડા તાલુકામાં આવેલું અંદાજે 1500ની વસતી ધરાવતું કોલવેરા ગામ આજે પોતાની અનોખી પ્રાકૃતિક સુંદરતા અને ઐતિહાસિક લોકવાયકા કારણે વિશેષ ઓળખ મેળવી રહ્યું છે. કોલવેરા ગામનું મુખ્ય આકર્ષણ એટલે કોલવેરા ડુંગર, જે સમુદ્ર સપાટીથી ઊંચાઈએ આવેલું હોવાથી સમગ્ર કપરાડા તાલુકાનું સૌથી ઊંચું સ્થાન માનવામાં આવે છે.
કોલવેરા ડુંગર પરથી આજુબાજુ ફેલાયેલી ડુંગરમાળાનો નજારો હારમાળાની જેમ દેખાય છે. કુદરતે અહીં અદભૂત સૌંદર્ય સર્જ્યું છે. ખાસ કરીને ચોમાસાની ઋતુમાં લીલાછમ પહાડો, ધુમ્મસથી ઘેરાયેલું વાતાવરણ અને ઠંડકભરી પવન પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. પ્રવાસીઓની વધતી આવનજાવનને ધ્યાનમાં રાખીને ડુંગર સુધી પહોંચવા પાકો રસ્તો બનાવવામાં આવ્યો છે. સાથે જ ડુંગરની ટોચ પર બેઠક વ્યવસ્થા અને વ્યૂ પોઈન્ટ ઉભા કરવામાં આવ્યા છે, જેથી મુલાકાતીઓ આરામથી પ્રકૃતિનો આનંદ લઈ શકે.
કોલવેરા ગામ માત્ર કુદરતી સૌંદર્ય માટે જ નહીં, પરંતુ કોલક નદીની પ્રાચીન લોકકથા માટે પણ જાણીતું છે. લોકવર્તમાન મુજબ આશરે 500થી 600 વર્ષ પહેલા એક વ્યક્તિ ‘કોળવું’ નામના પ્રાણીને પકડવા જમીનમાં ઊંડે ખોદકામ કરી રહ્યો હતો. તે દરમિયાન અચાનક જમીનમાંથી પાણીની ધારાઓ ફૂટવા લાગી અને ત્યાંથી કોલક નદીનો ઉદગમ થયો. ‘કોળવું’ શબ્દ પરથી નદીનું નામ કોલક પડ્યું અને ત્યારબાદ ગામનું નામ કોલવેરા બન્યું.
લગભગ 50 કિલોમીટર લાંબી કોલક નદી જિલ્લાનાં અનેક વિસ્તારો માટે જીવનરેખા સમાન છે. જિલ્લાની અન્ય નદીઓ જ્યાં વિવિધ નદીઓના સંગમથી બને છે, ત્યાં કોલક નદી પોતાના ઉદગમ સ્થાનેથી સીધી અરબી સમુદ્રમાં જઈને મળે છે, જે તેને વિશિષ્ટ બનાવે છે.
કોલવેરા ડુંગરનું આધ્યાત્મિક મહત્વ પણ વિશેષ છે. સ્થાનિક આદિવાસી સમાજ માટે આ ડુંગર અત્યંત પવિત્ર માનવામાં આવે છે. લોકમાન્યતા મુજબ અહીં દેવોનો નિવાસ હતો અને તેમણે અનાજ દળવાની ઘંટી, ખાંડણીયા, કુવો, પાણી સંગ્રહ માટે ત્રણ ટાંકા અને મંદિરના પાયા તૈયાર કર્યા હતા. આજે પણ આ અવશેષો ડુંગર પર જોવા મળે છે. ડુંગરની બંને બાજુ આદિવાસી દેવ ‘માવલી’ના સ્થાન આવેલાં છે, જ્યાં દર પાંચ વર્ષે વાઘબારસના દિવસે સિંદુર ચડાવી વિશેષ પૂજા કરવામાં આવે છે.
પ્રાચીન માન્યતાઓ, આધ્યાત્મિક પવિત્રતા અને અદભૂત કુદરતી સૌંદર્યનો અનોખો સંગમ ધરાવતું કોલવેરા ડુંગર આજે દક્ષિણ ગુજરાતના નવા પર્યટન સ્થળ તરીકે ઝડપથી પ્રખ્યાત બની રહ્યું છે.
ગામની વિગત
વસતી: અંદાજે 1500
સાક્ષરતા: 70 ટકા થી વધુ
જિલ્લા મથકથી અંતર: અંદાજે 70 કિમી
કનેક્ટિવિટી: નેશનલ હાઈવે 848
પ્રસિદ્ધ સ્થળો: રાધેકૃષ્ણ મંદિર, કોલવેરા હિલ, કોલક નદી
કોલવેરા ગામ, #કપરાડા પ્રવાસન, #કોલક નદી, #ડુંગર પ્રવાસન, #દક્ષિણ ગુજરાત ફરવા લાયક સ્થળ, #આદિવાસી સંસ્કૃતિ, #કુદરતી સૌંદર્ય, #Hill Tourism, #કોલવેરા ડુંગર કપરાડા, #કોલક નદી ઉદગમ, #કપરાડા પ્રવાસન સ્થળ, #દક્ષિણ ગુજરાત હિલ સ્ટેશન, #કોલવેરા હિલ પ્રવાસ
──────────── ౨ৎ ────────────
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
