આજથી ધરમપુરના વાઘવળમાં ત્રિદિવસીય વિરાટ સંત હિન્દુ સંમેલનનો પ્રારંભ, શ્રી દત્ત મંદિરનું ગર્ભગૃહ ખુલ્લું મૂકાશે
ધરમપુર ખાતે સલવાવ સ્વામિનારાયણ જ્ઞાનપીઠ દ્વારા ભગવાન શ્રીદત્તાત્રેય મંદિર, વાઘવળ ખાતે વિરાટ હિન્દુ સંત સંમેલન તેમજ દત્ત મંદિરના ભવ્ય સભા-ગૃહના ઉદ્ઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે. એક કદમ સનાતન સંસ્કૃતિ તરફના સૂત્ર સાથે 3 ડિસેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ત્રિદિવસીય વિરાટ સંત હિન્દુ સંમેલન યોજાશે, જેમાં શ્રી દત્ત મંદિરનું ગર્ભગૃહ પણ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવશે.
આ મહોત્સવના અધ્યક્ષ તરીકે પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી અને પૂજ્ય શાસ્ત્રી સ્વામી કપિલજીવનદાસજીની ઉપસ્થિતિ રહેશે. વિરાટ સંત સંમેલન સાથે દત્ત મંદિરના સભા-ગૃહનું ભવ્ય ઉદ્ઘાટન પણ કરવામાં આવશે, જેના કારણે વિસ્તારના ભક્તોમાં આનંદ અને ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
સંસ્થાના જણાવ્યા અનુસાર આ વિરાટ સંત સંમેલનનો મુખ્ય હેતુ આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને આસ્થાનું જતન કરવું, સમાજમાં શિક્ષણ, આરોગ્ય અને વ્યસનમુક્તિ જેવા મૂલ્યોનું સિંચન કરવું તેમજ ધાર્મિક એકતા અને સનાતન ધર્મ પ્રત્યેની ભાવનાને વધુ મજબૂત બનાવવાનો છે.
આ પ્રસંગે અનેક સંતો અને મહંતોની ઉપસ્થિતિમાં ધાર્મિક પ્રવચનો, માર્ગદર્શન અને સંસ્કારસભર કાર્યક્રમો યોજાશે, જેના કારણે ધરમપુર અને આસપાસના વિસ્તારોમાં આધ્યાત્મિક માહોલ છવાશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.
#ધરમપુર #વાઘવળ #વિરાટસંતસંમેલન #હિન્દુસંમેલન #શ્રીદત્તમંદિર #ગર્ભગૃહઉદ્ઘાટન #સનાતનસંસ્કૃતિ #GujaratiNews #LocalNews #DharampurNews #ValsadDistrict
—————–
આજથી નાનાપોઢાના કોઠાર-ખોરી ફળિયામાં દત્તાત્રેય અવતાર દિન મહોત્સવ, દાનહ, ગુજરાત અને મહારાષ્ટ્રના ભક્તો ઉમટશે
વલસાડ જિલ્લાના નાનાપોઢા તાલુકાના કોઠાર ગામના ખોરી ફળિયામાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ ભવ્ય શ્રી દત્તાત્રેય પ્રભુ અવતાર દિન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવ્ય મહોત્સવ 3 અને 4 ડિસેમ્બર 2025ના રોજ પરમ પૂજ્ય આચાર્યપ્રવર પરમ મહંત મોઠેબાબાજી પુનાની અધ્યક્ષતા હેઠળ શ્રદ્ધા અને ધાર્મિક ભાવનાથી ઉજવાશે.
આ મહોત્સવમાં દાદરા નગર હવેલી, ગુજરાતના વિવિધ વિસ્તારો તેમજ પાલઘર, થાણે સહિત મહારાષ્ટ્રના નાસિક પંથકમાંથી લાખોની સંખ્યામાં ભક્તજનો અને અનુયાયીઓ ઉપસ્થિત રહેશે. બાબાજીના દર્શન, સત્સંગ અને આશીર્વાદ મેળવવા માટે ભક્તોમાં ભારે ઉત્સાહ અને આસ્થા જોવા મળી રહી છે.
ગયા ત્રણ દાયકાથી વધુ સમયથી મોઠેબાબાજી વ્યસનમુક્તિ, સંસ્કાર અને આધ્યાત્મિક જીવન તરફ સમાજને માર્ગદર્શન આપી રહ્યા છે. તેમની પ્રવૃત્તિઓના પરિણામે હજારો પરિવારોએ વ્યસનનો ત્યાગ કરી ધર્મમાર્ગ અપનાવ્યો હોવાનું જાણવા મળે છે.
મહોત્સવ દરમિયાન ગીતા પાઠ, પારાયણ, સત્સંગ, કીર્તન તેમજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનો મુખ્ય હેતુ સમાજમાં વ્યસનમુક્તિનો સંદેશ પહોંચાડીને લોકોને આધ્યાત્મિક અને સનાતન માર્ગ તરફ દોરવાનો છે. આ ઉપરાંત દીક્ષા વિધિ દ્વારા કેટલાક ભક્તો સાંસારિક જીવનનો ત્યાગ કરીને આધ્યાત્મિક માર્ગે આગળ વધશે.
મહોત્સવને ધ્યાનમાં રાખીને સમગ્ર વિસ્તારમાં ભક્તો માટે રહેવા-જમવાની સુવિધા, ટ્રાફિક વ્યવસ્થા અને સેવા કાર્ય માટે સેવાદળો તૈનાત કરવામાં આવ્યા છે. લાખો અનુયાયીઓની ઉપસ્થિતિથી નાનાપોઢા તાલુકો આ દિવસોમાં એક વિશાળ આધ્યાત્મિક કેન્દ્ર તરીકે ઝળહળી ઉઠશે.
#નાનાપોઢા #કોઠાર #ખોરીફળિયા #દત્તાત્રેયઅવતારદિન #દત્તમહોત્સવ #ValsadDistrict #GujaratiNews #LocalNews #SpiritualEvent #SanatanDharma #MaharashtraDevotees
—————
નાનાપોંઢામાં વીજ કરંટથી પટકાયેલા સાપને CPR આપી રેસ્ક્યુઅરે નવજીવન આપ્યું, 25 મિનિટ સુધી ઓક્સિજન આપતા શ્વાસ ફરી શરૂ થયો
નાનાપોંઢા તાલુકાના આમધા ગામમાં માનવતા અને જીવદયાનું અનોખું દૃશ્ય જોવા મળ્યું હતું. વીજ કરંટના કારણે મૃત્યુના આરે પહોંચેલા ધામણ સાપને રેસ્ક્યુઅરે સમયસૂચકતા અને સમજદારીથી CPR આપી નવજીવન બક્ષ્યું હતું.
આમધા ગામના નિશાળ ફળિયામાં આવેલા એક ખેતરમાં મંગળવારે ખેડૂતો અને મજૂરો ભાત કાપણી તથા પુળા બાંધવાની કામગીરી કરી રહ્યા હતા. ખેતરની બાજુમાંથી પસાર થતી શ્રી-ફેઝ પાવર લાઈન પાસે એક ધામણ સાપ શિકારની શોધમાં અથવા અન્ય કોઈ કારણસર વીજ પોલ પર ચડી ગયો હતો. થાંભલાની ટોચ પર પહોંચતા જ જીવંત વીજ તારના સંપર્કમાં આવતાં જોરદાર કરંટ લાગતા સાપ આશરે 15 ફૂટની ઊંચાઈ પરથી જમીન પર પટકાયો હતો.
કરંટના કારણે સાપ નિશ્ચેતન હાલતમાં પડેલો જોઈ ગ્રામજનોએ તાત્કાલિક વાઈલ્ડ રેસ્ક્યુ ટ્રસ્ટના મુકેશભાઈ વાયાડને જાણ કરી હતી. મુકેશભાઈ સ્થળ પર પહોંચ્યા ત્યારે સાપનો શ્વાસ રૂંધાઈ રહ્યો હતો. પરિસ્થિતિને સમજતા તેમણે પોતાની દેશી પદ્ધતિ અપનાવી ધામણ સાપનું મોઢું ખોલી પોતાના મોઢાથી હવા ભરી CPR આપવાનું શરૂ કર્યું હતું.
લગભગ 25થી 30 મિનિટ સુધી સતત CPR આપ્યા બાદ સાપના શરીરમાં હલનચલન જોવા મળ્યું હતું અને તેનો શ્વાસ ફરી શરૂ થયો હતો. સારવાર બાદ સાપ સંપૂર્ણ સ્વસ્થ જણાતાં મુકેશભાઈ વાયાડ અને તેમના સહયોગી મિત્રોએ તેને નજીકના જંગલ વિસ્તારમાં મુક્ત કર્યો હતો. આ સમગ્ર ઘટનાને જોઈ હાજર ખેડૂતો અને ગ્રામજનોએ રેસ્ક્યુઅરની કામગીરીને બિરદાવી હતી.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ સાપનું હૃદય માથાથી થોડા ઇંચ પાછળ હોય છે અને તેના ફેફસા લાંબા હોય છે. બિનઝેરી સાપને CPRથી બચાવી શકાય છે, પરંતુ ઝેરી સાપના કેસમાં મોઢાથી CPR આપવું જોખમી સાબિત થઈ શકે છે, કારણ કે ડરથી સાપ હુમલો કરી શકે છે. આવા કિસ્સામાં પંપ અથવા મશીનનો ઉપયોગ કરવો વધુ સુરક્ષિત રહે છે.
#નાનાપોંઢા #આમધા #સાપરેસ્ક્યુ #CPR #WildlifeRescue #જીવદયા #GujaratiNews #LocalNews #SnakeRescue
—————————————————————————————————–
શણના લીલા પડવાશના ઉપયોગથી આગામી પાકમાં 15થી 20 ટકા સુધી ઉત્પાદન વધે છે, સજીવ ખેતી માટે આશીર્વાદરૂપ બનતું શણ
આજના સમયમાં જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના અતિરેક ઉપયોગથી જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે તેમજ માનવ આરોગ્ય પર પણ તેની ગંભીર અસર પડી રહી છે. આવી પરિસ્થિતિમાં કપરાડા અને નાનાપોંઢાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોના ખેડૂતો ધીમે ધીમે સજીવ ખેતી તરફ વળતા જઈ રહ્યા છે. સજીવ ખેતીમાં ઓછી મૂડીમાં જમીનમાં ખાતરના તત્વો ઉમેરવા માટે લીલો પડવાશ ખાસ કરીને શણનો પાક ખેડૂતો માટે લાભદાયી સાબિત થઈ રહ્યો છે.
કપરાડા તાલુકાના અનેક ગામોમાં ઠંડીની મોસમમાં વાવાયેલ શણના લીલા પડવાશના ખેતરો હરિયાળું સૌંદર્ય પાથરી રહ્યા છે અને ખેડૂતો માટે આશાનો કિરણ બની રહ્યા છે. શણ પાક ઝડપથી વધે છે, વધારે પાંદડા અને વજનદાર જૈવિક પદાર્થ આપે છે. ઓછી સિંચાઈ અને ઓછા ખાતરના ઉપયોગ સાથે પણ આ પાક જમીનમાં મોટા પ્રમાણમાં કાર્બનિક પદાર્થ ઉમેરે છે. ખાસ કરીને તેના મૂળમાં રહેલા જીવાણુઓ વાયુમંડળના નાઇટ્રોજનને જમીનમાં સ્થિર કરી જમીનને સ્વાભાવિક રીતે પોષક બનાવે છે.
શણ રેતાળ અને ગોરાડુ જમીનમાં ઉત્તમ રીતે ઉગે છે અને માત્ર 3થી 4 અઠવાડિયામાં 5થી 6 ફૂટની ઊંચાઈ મેળવી લે છે. લીલા પડવાશ માટે શણના પાકને 45થી 60 દિવસમાં રોટાવેટર વડે ભૂકો કરીને 6થી 10 ઇંચ સુધી જમીનમાં પલટાવવો જરૂરી હોય છે. ત્યારબાદ પાણી ભરવાથી પાક સડીને ઉત્તમ લીલું ખાતર તૈયાર થાય છે. જો પલટાવમાં મોડું થાય તો પાકમાં રેશા વધવાથી સડવામાં વધુ સમય લાગે છે.
કપરાડાના અંતરિયાળ વિસ્તારોમાં શણનો લીલો પડવાશ વાવતા ખેડૂતોના જણાવ્યા અનુસાર, આ પદ્ધતિ અપનાવ્યા બાદ આગામી પાકમાં 15થી 20 ટકા સુધી ઉત્પાદન વધારો જોવા મળી રહ્યો છે. ઓછી મૂડીમાં વધુ લાભ મળતો હોવાથી કપરાડા વિસ્તારમાં સજીવ ખેતીનું આ મોડલ ખેડૂતોમાં ઝડપથી લોકપ્રિય બનતું જઈ રહ્યું છે.
શણના લીલા પડવાશના ઉપયોગથી જમીન પોચી અને ગગરી બને છે, હવા અને પાણીનું સંચય વધે છે. જમીનમાં સુક્ષ્મજીવોની સંખ્યા વધવાથી માટીજન્ય રોગોમાં ઘટાડો થાય છે અને રસાયણિક ખાતરનો ખર્ચ બચી જાય છે. ઓછા પાણી અને ઓછા સંરક્ષણ સાથે તૈયાર થતો આ પાક વાયુમંડળીય નાઇટ્રોજનનું ઝડપી સ્થિતિકરણ કરી સજીવ ખેતી માટે આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે.
#કપરાડા #નાનાપોંઢા #સજીવખેતી #શણ #લીલોપડવાશ #ખેડૂતસમાચાર #GujaratiNews #LocalNews #OrganicFarming
————————
મામાભાચામાં યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં હનમતમાળની ટીમ ચેમ્પિયન બની
ધરમપુર તાલુકાના મામાભાચા ગામે જય બજરંગબલી ગ્રાઉન્ડ ખાતે 9થી 30 નવેમ્બર દરમિયાન યોજાયેલી ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટમાં હનમતમાળ ICC ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનશીપનો ખિતાબ જીત્યો હતો. જ્યારે ગોરખડા ટીમ રનર્સઅપ રહી હતી.
આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 64 ટીમોએ ભાગ લઈ પોતાની રમતની કુશળતા દર્શાવી હતી. ફાઈનલ મેચમાં હનમતમાળ ICC ટીમે ઉત્તમ ટીમ વર્ક અને સંયમભરી રમતથી વિજય મેળવ્યો હતો, જેને લઈને ગામ અને આસપાસના વિસ્તારોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.
ચેમ્પિયન ટીમને જામાલિયાના સૌરભ માહલાના હસ્તે રૂપિયા 41,000ની રોકડ રકમ અને ટ્રોફી આપવામાં આવી હતી. જ્યારે રનર્સઅપ ગોરખડા ટીમને રૂપિયા 21,000ની રોકડ રકમ અને ટ્રોફીથી સન્માનિત કરવામાં આવી હતી.
હનમતમાળ ICC ટીમના કેપ્ટન વિજય માહલાએ સાથી ખેલાડીઓની રમતની સરાહના કરી અને આ જીત માટે સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ ટુર્નામેન્ટે ગ્રામ્ય વિસ્તારમાં ક્રિકેટ પ્રત્યેનો ઉત્સાહ વધુ મજબૂત કર્યો હોવાનું જોવા મળ્યું હતું.
#મામાભાચા #ધરમપુર #ક્રિકેટટુર્નામેન્ટ #હનમતમાળ #TennisBallCricket #GujaratiSportsNews #LocalNews
———————
સિદુમ્બરમાં સાયકલસવાર વૃદ્ધનું બાઈક અડફેટે મોત
ધરમપુર તાલુકાના સિદુમ્બર ગામમાં બાઈક અડફેટે સાયકલસવાર વૃદ્ધનું મોત નિપજતાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. ધરમપુરના સિદુમ્બર ગામના દુકાન ફળીયામાં રહેતા 74 વર્ષીય પ્રેમાભાઈ લીમજીભાઈ પટેલ સાંજે સાયકલ લઈને સિદુમ્બર નિશાળ ફળીયામાં સુરેશ દેવજીભાઈ ભોયાના ઘરે લગ્ન પ્રસંગમાં હાજરી આપવા જઈ રહ્યા હતા.
આ દરમિયાન ધરમપુર રોડ તરફથી આવતા બાઈક ચાલક આદિત્ય વતાર રહે. સિદુમ્બર, કોરવળમાળ ફળીયાએ પાછળથી પ્રેમાભાઈની સાયકલને અડફેટે લેતા તેઓ જમીન પર પટકાયા હતા. અકસ્માતમાં પ્રેમાભાઈને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી. સ્થળ પર પહોંચેલી 108ની ટીમે તપાસ કરતા પ્રેમાભાઈનું સ્થળ પર જ મૃત્યુ થયું હોવાનું જાહેર કર્યું હતું. અકસ્માતમાં બાઈક પર પાછળ બેઠેલા અન્ય બે વ્યક્તિને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને 108 મારફતે સરકારી સ્ટેટ હોસ્પિટલ ધરમપુરમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવ અંગે મૃતકના ભત્રીજા સિદુમ્બરના ચંદુભાઈ નગીનભાઈ પટેલે ધરમપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
#સિદુમ્બર #ધરમપુર #રોડઅકસ્માત #બાઈકઅડફેટ #સાયકલસવાર #GujaratiNews #LocalNews
══════════════════
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
