નાની ઉંમરે સંસ્કારનું બીજ વાવેતર: વાપી ચલા પ્રમુખ ગ્રીન્સમાં બાળકોને ગીતા અધ્યાય શીખવાયા
વાપી શહેરના ચલા વિસ્તારમાં આવેલા પ્રમુખ ગ્રીન્સ ખાતે ભગવદ ગીતા જયંતિ નિમિત્તે સંસ્કારસભર અને ધાર્મિક માહોલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે નાના ભૂલકાંઓને ભગવદ ગીતા ના પાઠ સાથે સંસ્કાર અને ધાર્મિક જ્ઞાન આપવામાં આવ્યું.
આ સંસ્કાર વર્ગમાં બાળકોને ગીતાના 12મા અને 15મા અધ્યાયનું શિક્ષણ આપવામાં આવ્યું હતું, જ્યારે હાલ 16મો અધ્યાય ચાલુ હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું. આ ઉપરાંત બાળકોને શિવસ્તુતિ, ગીતા આરતી પણ શીખવવામાં આવી છે, જે બાળકો એક વર્ષના સમયગાળામાં સફળતાપૂર્વક શીખ્યા હોવાનું જાણવા મળ્યું.
કાર્યક્રમ દરમિયાન બાળકોને માત્ર ગીતા પૂરતું જ નહીં પરંતુ મહાભારત અને રામાયણના પાત્રોની જાણકારી, તેમજ રામજન્મની ચોપાઈ પણ સમજાવવામાં આવી હતી, જેથી બાળકોમાં ધાર્મિક સંસ્કાર સાથે ભારતીય સંસ્કૃતિ પ્રત્યે રસ અને સમજ વિકસે.
આ સંસ્કાર વર્ગની વિશેષતા એ છે કે કોઈપણ બાળક 3 વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારથી આ વર્ગમાં જોડાઈ શકે છે. આ વર્ગ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે અને સપ્તાહમાં મંગળવારથી શુક્રવાર સુધી નિયમિત રીતે ચાલે છે.
બાળકોને સંસ્કારસભર શિક્ષણ આપવા ઇચ્છતા માતા-પિતા અથવા સંરક્ષકો માટે સંપર્કની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. વધુ માહિતી માટે કૃષ્ણાબેન જોષી (મો. 9427931368) પર સંપર્ક કરી શકાય છે.
#વાપી #ચલા #પ્રમુખગ્રીન્સ #ગીતાજયંતિ #ભગવદગીતા #બાળકોનેસંસ્કાર #GujaratiNews #LocalNews #VapiNews #વાપીગીતાજયંતિ #ચલાપ્રમુખગ્રીન્સ #બાળકોનેગીતા #સંસ્કારવર્ગ #BhagavadGita #VapiLocalNews
══════════════════
પારડીના ઋષિકુમારોએ ગીતા જયંતિએ 18 અધ્યાયનું પારાયણ કરી જીવનમૂલ્યો રજૂ કર્યા
પારડી ખાતે સ્વાધ્યાય મંડળ દ્વારા સંચાલિત શ્રી બ્રહ્મર્ષિ સાતવળેકર સંસ્કૃત મહાવિદ્યાલયના ઋષિકુમારોએ ગીતા જયંતિ મહોત્સવની ઉજવણી ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ ધાર્મિક ભાવના સાથે કરી હતી. આ અવસરે ગીતા જયંતિનું મહત્વ સમજાવતા જણાવ્યું હતું કે વિશ્વમાં એક માત્ર એવા ધર્મગ્રંથની જયંતિ ઉજવાય છે, જે માનવજીવન માટે માર્ગદર્શક બની રહ્યું છે.
શ્રીમદ્ ભગવદ્ ગીતા માત્ર એક ધર્મગ્રંથ નહીં પરંતુ જીવન જીવવાની કળા શીખવતો જીવનગ્રંથ છે. ગીતા માનવને કર્તવ્ય, કર્મ અને વિચારના માર્ગે આગળ વધવા પ્રેરણા આપે છે, જે આજના સમયમાં પણ એટલું જ પ્રાસંગિક છે.
ગીતા જયંતિ નિમિત્તે ઋષિકુમારોએ મૂળ પાઠ સાથે ગીતાના તમામ 18 અધ્યાયનું પારાયણ કર્યું હતું. આ સાથે ગીતાજીના વિચારોથી પ્રેરિત સંદેશો રજૂ કરી, તે વિચારોને દૈનિક જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન આધ્યાત્મિક વાતાવરણ સર્જાયું હતું અને ઉપસ્થિત ભક્તોમાં પણ ગીતા પ્રત્યે ઊંડો ભાવ અને સમજ વિકસતી જોવા મળી હતી.
#પારડી #ગીતાજયંતિ #શ્રીમદભગવદગીતા #ઋષિકુમાર #સંસ્કૃતમહાવિદ્યાલય #સ્વાધ્યાયમંડળ #ભારતીયસંસ્કૃતિ #GujaratiNews #LocalNews #PardiNews #ગીતા18અધ્યાય #જીવનગ્રંથ #GitaJayanti #BhagavadGita
══════════════════
જુનિયર સ્ટેટ વોલીબોલ સ્પર્ધામાં વલસાડ જિલ્લાની ટીમે ઝળહળી દેખાવ કરી બ્રોન્ઝ મેડલ જીત્યો
ગુજરાત રાજ્ય વોલીબોલ એસોસિએશન દ્વારા મહેસાણા જિલ્લાના સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, પાંચોટ ખાતે જુનિયર સ્ટેટ વોલીબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વલસાડ જિલ્લાની જુનિયર વોલીબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરી ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.
વલસાડ જિલ્લાની ટીમે સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન ઉત્કૃષ્ટ રમત પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થતાં જ શાળા તેમજ ટીમના કોચ દ્વારા ખેલાડીઓને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને તેમની મહેનતને સરાહવામાં આવી હતી.
આ સિદ્ધિ બદલ જિલ્લા વોલીબોલ એસોસિએશનના હાલ ચિંતન પટેલ તથા સેક્રેટરી નીતિન સોનાવાએ ટીમને અભિનંદન પાઠવી વધુ સફળતા માટે શુભેચ્છા વ્યક્ત કરી હતી. રાજ્ય કક્ષાની ચેમ્પિયનશીપમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ખેલાડીઓમાં અમિત યાદવ, રવિ યાદવ, તન્મય જયસ્વાલ, વિપુલ તિવારી, અવિનાશ યાદવ, સુહન કરમવાલીવાલા, અનાશરાજ રાજપૂત, વિરાટ પ્રજાપતિ, અમન યાદવ, અભિષેક મિસ્ત્રી અને સુભમનો સમાવેશ થાય છે.
શાળા સંચાલન અને કોચ દ્વારા તમામ ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી અને આવનારી સ્પર્ધાઓમાં પણ વધુ સારું પ્રદર્શન કરવાની આશા વ્યક્ત કરવામાં આવી હતી.
#વલસાડ #જુનિયરસ્ટેટવોલીબોલ #વોલીબોલસ્પર્ધા #બ્રોન્ઝમેડલ #ValsadSports #VolleyballNews #GujaratiSportsNews #LocalNews #Mehsana #Panchot #ValsadVolleyballTeam
══════════════════
વાપીમાં સિનેમાની ટિકિટ બુક કરાવી એક લાખની ઠગાઈ કરનારને 7 વર્ષની સજા
વાપી શહેરના ચલામાં આવેલ સિનેમામાં ટિકિટ બુકિંગના બહાને એક લાખ રૂપિયાની ઠગાઈ કરનાર આરોપીને વાપી કોર્ટે કડક સજા ફટકારી છે. ઓફિસમાં છૂટ્ટા પૈસા હોવાનું કહી 500ની નોટો બદલાવવા એક લાખ રૂપિયા લઈ આરોપી ફરાર થઈ ગયો હતો, જેના મામલે કોર્ટે આરોપીને 7 વર્ષની સજા અને દંડનો હુકમ કર્યો છે.
વાપી-દમણ રોડ પર ચલામાં આવેલા રાજહંસ સિનેમામાં 19 ઓગસ્ટ 2024ના રોજ એક ઇસમ પહોંચ્યો હતો. તેણે સાંજના સાત વાગ્યાના શો માટે 42 ટિકિટ બુક કરાવી હતી અને તેના રૂ. 10,080 વેસ્ટ સાઈડની ઓફિસમાંથી આપવાનું જણાવ્યું હતું. આરોપીએ ઓફિસમાં રૂ. 50 અને 100ની નોટો ખુલ્લા એક લાખ રૂપિયા પડેલા હોવાનું કહી તેના બદલે રૂ. 500ની નોટો માંગ્યા હતા.
આ વાતમાં આવી સિનેમાના કર્મચારીએ એક કર્મીને એક લાખ રૂપિયા લઈને આરોપી સાથે મોકલ્યો હતો. જોકે આરોપી સીડી ચઢતી વખતે કર્મીની નજર ચૂકવી એક લાખ રૂપિયા લઈને ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ફરિયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.
પોલીસે તપાસ દરમિયાન આરોપી અહેમદ રઝા ઉર્ફે અયાન જોન થકીન સુનુસ તૈલી, રહે. દાના એપાર્ટમેન્ટ, ખાજાદાના રોડ, સુરતની ધરપકડ કરી હતી. કેસ સોમવારે વાપીના બીજા એડી. સિનિયર જજ તથા એડી. ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ આઈ. આઈ. પઠાણની કોર્ટમાં ચાલ્યો હતો.
કેસ દરમિયાન એપીપી એચ. ટી. પટેલની ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપીને 7 વર્ષની કઠોર સજા સાથે રૂ. 50 હજારનો દંડ ફટકાર્યો હતો. જો આરોપી દંડની રકમ ન ભરે તો વધુ 6 માસની સજા ભોગવવાની રહેશે એવો પણ કોર્ટે હુકમ કર્યો છે.
#વાપી #ચલા #સિનેમાઠગાઈ #રાજહંસસિનેમા #કોર્ટફૈસલો #7વર્ષનીસજા #ValsadDistrict #GujaratiNews #LocalNews #CrimeNews #VapiNews
══════════════════
પગે પંજાના ઘા, 108ની મદદથી હોસ્પિટલ ખસેડાયો: પારડીના આમળીમાં બાઈકથી ઘરે જતા યુવક પર દીપડાનો હુમલો
વલસાડ જિલ્લાના પારડી તાલુકાના આમળી ગામે મંગળવારે સાંજે દીપડાના હુમલાની ઘટના સામે આવતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. નોકરી પરથી બાઈક પર ઘરે પરત ફરી રહેલા યુવક પર અચાનક દીપડાએ હુમલો કરતા યુવકને ઈજા પહોંચી હતી, જેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
વલસાડના નવેરાગામ મંદિર ફળીયામાં રહેતા 32 વર્ષીય વિમલ જશવંતભાઈ નાયકા બગવાડા ખાતે ફોર વ્હીલર શો-રૂમમાં નોકરી કરીને બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. પારડીના આમળી ગામે ડુંગરી રોડ પર ભેંસુ ખાડી પાસેથી પસાર થતી વખતે અચાનક ઝાડીઓમાંથી એક દીપડો બહાર આવ્યો અને બાઈક સવાર વિમલ પર હુમલો કર્યો હતો.
દીપડાનો પંજો વિમલના જમણા પગમાં જોરથી વાગતા તેઓ બાઈક પરથી નીચે પટકાયા હતા. અચાનક થયેલા હુમલાથી ગભરાઈ ગયેલા વિમલે જોરથી બૂમાબૂમ કરતાં દીપડો ઝાડી અને જંગલ તરફ ભાગી ગયો હતો. વિમલની બૂમો સાંભળીને આજુબાજુના લોકો દોડી આવ્યા હતા અને ઘટનાની જાણકારી મેળવી હતી.
ઈજાગ્રસ્ત વિમલ સજાગ હાલતમાં હોવાથી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી તેમને પારડીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આમળી ગામે બાઈક સવાર યુવક પર દીપડાના હુમલાની ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ભયનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.
ઘટનાના પગલે ગ્રામજનોએ વન વિભાગ દ્વારા દીપડાને પકડવા તાત્કાલિક અને અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠાવી છે, જેથી ફરી આવી ઘટના ન બને અને લોકો સુરક્ષિત રહે.
#પારડી #આમળી #દીપડાનોહુમલો #ValsadDistrict #PardiTaluka #LeopardAttack #108એમ્બ્યુલન્સ #LocalNews #GujaratiNews #ForestDepartment #WildlifeAlert
══════════════════
વાપીમાં હાઈવે સર્વિસ રોડથી સ્ટેશન રોડ સુધી સમસ્યાઓનો સિલસિલો, નાગરિકો ત્રસ્ત
વાપીથી પારડી સુધીનો હાઈવે સર્વિસ માર્ગ હાલ ખખડધજ હાલતમાં છે. રસ્તા પર પડેલા ખાડા અને તૂટેલા ભાગોના કારણે ખાસ કરીને દ્વિચક્રીય વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. અનેક સ્થળોએ વાહન ચાલકો અકસ્માતે પટકાતા હોવાના બનાવો સામે આવ્યા છે અને જીવલેણ અકસ્માતની ભીતિ પણ વધી ગઈ છે. ચોમાસું પૂરુ થયા છતાં હાઈવે ઓથોરિટી દ્વારા સર્વિસ રોડ કે હાઈવે પર પડેલા ખાડાઓનું પેચવર્ક ન થતાં નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વહેલી તકે હાઈવે ઓથોરિટી આ સમસ્યા દૂર કરે તેવી માગ ઉઠી છે.
બીજી તરફ વાપીના ટાંકી ફળિયામાં પણ લોકો ધૂળની સમસ્યાથી ત્રસ્ત બન્યા છે. જૂના ગરનાળાથી કોળીવાડ થઈ જીઆઈડીસી તરફ જતા માર્ગનું કામ મનપા દ્વારા હાથ ધરાયું હતું, પરંતુ કામ અધુરું છોડાતા હાલ બાકીના માર્ગો ખરાબ હાલતમાં છે. માર્ગ પરથી સતત ઉડતી ધૂળના કારણે સ્થાનિક રહેવાસીઓ તેમજ વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. મનપા દ્વારા બાકીની માર્ગ કામગીરી વહેલી તકે પૂર્ણ કરવામાં આવે તેવી લોકોની માગ છે.
આ સાથે વાપી ગીતાનગર સ્ટેશન રોડથી મહાત્મા ગાંધી સર્કલ વચ્ચે ટ્રાફિકની સમસ્યા પણ ગંભીર બની છે. સિટી પોઇન્ટ પાસે અધુરા રહેલા માર્ગના કામને કારણે ડાયવર્ઝન આપવામાં આવતા વાહન ચાલકોને જૂના ફાટક તરફ વળવું પડે છે. આ દરમિયાન સ્ટેશન પાસે રિક્ષાચાલકો રસ્તા પર જ વાહનો પાર્ક કરી મુસાફરોને બોલાવતા હોવાથી ટ્રાફિક જામ સર્જાય છે. રોજિંદા મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા દૂર કરવા રિક્ષાચાલકો સામે પોલીસ દ્વારા કડક પગલા લેવામાં આવે તેવી લોકોની માગ છે.
#વાપી #પારડી #હાઈવેસર્વિસરોડ #ખાડા #પેચવર્ક #VapiNews #ValsadDistrict #LocalIssues #ટાંકીફળિયા #સ્ટેશનરોડ #ટ્રાફિકસમस्या #MunicipalIssues
══════════════════
ટુકવાડા હાઈવે પર નોકરીએ જવા ઊભેલા આધેડનું ડમ્પર અડફેટે મોત, પળમાં કાળનો કોળિયો બન્યો
પારડી તાલુકાના નેશનલ હાઈવે નંબર 48 પર ટુકવાડા ખાતે મંગળવારે સવારે હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. ટુકવાડા રેનોલ્ટ શોરૂમ સામે રોડની સાઈડમાં નોકરીએ જવા માટે ઊભેલા એક નોકરીયાત આધેડને પુરઝડપે આવતા ડમ્પર ટ્રકે અડફેટે લેતાં તેનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
ટુકવાડા દેસાઈવાડમાં રહેતા રાકેશ કિશોરચંદ્ર દેસાઈ મંગળવારે સવારે આશરે 9 વાગ્યે વાપી નોકરી પર જવા માટે નેશનલ હાઈવે પર ઊભા હતા. તે દરમિયાન વાપીથી વલસાડ તરફ જઈ રહેલા ડમ્પર નંબર DD-02-G-9211 ના ચાલક સંજય મોતીલાલ પવાર ઉંમર 33 વર્ષ, રહે. આહવા ડાંગ દ્વારા વાહન અત્યંત ગફલતભરી રીતે અને પૂરઝડપે હંકારીને રાકેશભાઈને જોરદાર ટક્કર મારવામાં આવી હતી.
ડમ્પરની ટક્કર એટલી ભયાનક હતી કે રાકેશભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ ઘટનાસ્થળે જ મોતને ભેટ્યા હતા. બનાવની જાણ થતાં જ મૃતકના ભત્રીજા એડવોકેટ નિરવ હર્ષદરાય દેસાઈ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા.
આ બનાવ અંગે પારડી પોલીસ સ્ટેશનમાં ડમ્પર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે. અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હાઈવે પર ભારે વાહનોની બેફામ ગતિ અને ગફલતભરી ડ્રાઈવિંગના કારણે સતત અકસ્માતો સર્જાઈ રહ્યા હોવા અંગે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
#પારડી #ટુકવાડા #હાઈવે #અકસ્માત #ડમ્પરઅડફેટ #ValsadDistrict #NH48 #AccidentNews #GujaratiNews #LocalNews #RoadSafety
══════════════════
વાપીમાં લોખંડની પાઈપ સાથે જાહેરમાં ફરતા બે ઝબ્બે ઝડપાયા, પોલીસે કાર્યવાહી હાથ ધરી
વાપી શહેરમાં અલગ અલગ સ્થળે લોખંડની પાઈપ સાથે જાહેરમાં ફરતા બે ઇસમોને વાપી ટાઉન પોલીસે ઝડપી લઇ તેમની સામે કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી.
વાપી ટાઉન પોલીસ સોમવારે વાપી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી ત્યારે ગીતાનગર ગરનાળા પાસે જાહેર રોડ પર એક ઇસમ હાથમાં લોખંડની પાઈપ લઈને ફરતો હોવાનું નજરે પડ્યું હતું. પોલીસે તેની પૂછપરછ કરતાં તે કોઈ સંતોષકારક જવાબ આપી શક્યો ન હતો. જેના આધારે પોલીસે આરોપી દીપકકુમાર લીલુદાસ રહે. દમણ કચીગામ ગુલાબની ચાલીમાંની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ ઉપરાંત મંગળવારે પણ એ જ વિસ્તારમાં ગરનાળા પાસે એક અન્ય ઇસમ હાથમાં લોખંડની પાઈપ સાથે ફરતો જોવા મળ્યો હતો. પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ પોતાનું નામ ઇરફાન મુન્ના મુનીર ખાન રહે. વાપી ટાઉન કંચનનગર હોવાનું જણાવ્યું હતું, પરંતુ લોખંડની પાઈપ રાખવા અંગે કોઈ સંતોષકારક કારણ આપી શક્યો ન હતો.
બન્ને ઇસમો સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી વાપી ટાઉન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરમાં અસામાજિક તત્વો સામે કડક વલણ અપનાવવાની કામગીરીને પગલે નાગરિકોમાં રાહતનો અનુભવ થયો છે.
#વાપી #વાપીટાઉન #પોલીસકાર્યवाही #જાહેરનામાભંગ #લોખંડનીપાઈપ #CrimeNews #GujaratiNews #LocalNews #VapiNews
══════════════════
રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં ઇતિહાસ રચશે વાપીની સમર્થા માને, વલસાડ જિલ્લાની પ્રથમ યુવતી ભોપાલમાં દેશનું પ્રતિનિધિત્વ કરશે
વાપી શહેર માટે ગર્વની ક્ષણ સર્જાઈ છે. વાપીની આશાધામ શાળાની વિદ્યાર્થીની કુમારી સમર્થા સત્યમ માને 68મી રાષ્ટ્રીય 10 મીટર એર રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા જઈ રહી છે. આ સ્પર્ધા 11 થી 31 ડિસેમ્બર 2025 દરમિયાન ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે યોજાનાર છે. સમર્થા માને રાષ્ટ્રીય શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેનારી વલસાડ જિલ્લાની પ્રથમ યુવતી બની છે.
સમર્થા માને હાલ લક્ષ્ય એર રાઇફલ શૂટિંગ રેન્જ, વાપીમાં કોચ અંકિત એમ. પટેલના માર્ગદર્શન હેઠળ સતત અભ્યાસ કરી રહી છે અને રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે. તેની આ સિદ્ધિ બદલ લક્ષ્ય રાઇફલ ક્લબના પ્રમુખ, કોચ અંકિત પટેલ, ક્લબના તમામ સભ્યો તેમજ આશાધામ શાળાના આચાર્ય અને શિક્ષકગણ દ્વારા સમર્થાને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
68મી રાષ્ટ્રીય 10 મીટર એર રાઇફલ શૂટિંગ ચેમ્પિયનશીપ નેશનલ રાઇફલ એસોસિયેશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત કરવામાં આવી છે. આ સ્પર્ધામાં દેશભરના વરિષ્ઠ, કનિષ્ઠ અને યુવા કેટેગરીના શૂટર્સ ભાગ લેશે. ચેમ્પિયનશીપ દરમિયાન પસંદગી ટ્રાયલ, રેન્કિંગ રાઉન્ડ અને મેડલ સ્પર્ધાઓ યોજાશે, જેમાંથી શૂટર્સને આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ માટે ક્વોલિફાય થવાની તક મળશે. આધુનિક ઇન્ડોર રેન્જ પર તમામ સુરક્ષા અને ટેકનિકલ ધોરણોને અનુરૂપ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે.
10 મીટર એર રાઇફલ શૂટિંગમાં શૂટર અને નિશાન વચ્ચેનું અંતર ચોક્કસ 10 મીટર હોય છે અને હવામાં દબાણથી 4.5 મીમી પેલેટ ફાયર કરવામાં આવે છે. આ રમતમાં રિકોયલ લગભગ નાબુદ હોવાથી ચોક્સાઈ વધારે રહે છે. પુરુષ અને મહિલા બંને કેટેગરીમાં ફક્ત ઊભા રહીને શૂટિંગ કરવામાં આવે છે અને શરીરને સ્થિર રાખવા ખાસ જેકેટ અને પેન્ટનો ઉપયોગ થાય છે. આ શૂટિંગ ચેમ્પિયનશીપથી દેશભરમાં શૂટિંગ રમતને વધુ પ્રોત્સાહન મળશે.
#વાપી #વલસાડ #સમર્થામાને #રાષ્ટ્રીયશૂટિંગચેમ્પિયનશીપ #AirRifleShooting #68thNSCC #Bhopal #GujaratiNews #LocalNews #ValsadSports #VapiPride
══════════════════
📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.
LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.
જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.
