Valsad News Today, Latest Local Updates — 03 December 2025

Table of Contents

BLO સામે મોટો પ્રશ્નાર્થ, એપાર્ટમેન્ટોમાં અનેક ફ્લેટો બંધ, ફોન કરે તો કહે બહારગામ છીએ, વલસાડ જિલ્લામાં SIR-2026ની કાર્યવાહીમાં 9.26 ટકા મતદારોના ફોર્મ હજી પરત મળ્યા નથી

 

વલસાડ જિલ્લામાં SIR-2026 હેઠળ ચાલી રહેલી મતદાર યાદી સઘન નોંધણી અને ડિજિટલાઈઝેશન પ્રક્રિયામાં બીએલઓ સામે મોટો પડકાર ઊભો થયો છે. છેલ્લા એક માસથી સતત કામગીરી છતાં હજુ પણ 9.26 ટકા મતદારોએ ફોર્મ પરત આપ્યા નથી કે ઘણા મતદારો હાલના સરનામે ઉપલબ્ધ નથી. અત્યાર સુધી જિલ્લામાં 80.46 ટકા કામગીરી પૂર્ણ થઈ હોવાનું જાણવા મળે છે. કુલ 13,85,807 મતદારોમાંથી અંદાજે 11 લાખથી વધુ મતદારોના ફોર્મનું ડિજિટલાઈઝેશન કરવામાં આવ્યું છે.

વલસાડ જિલ્લામાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત બ્લોક લેવલ ઓફિસરો, જિલ્લા ચૂંટણી અધિકારીઓ, ડેપ્યુટી મામલતદારો તથા સહાયકો રાતદિવસ એક કરી કામગીરી કરી રહ્યા છે. 1 નવેમ્બર 2025થી શરૂ થયેલી પ્રક્રિયામાં જિલ્લાના 1200થી વધુ બીએલઓ અને આગંણવાડી કાર્યકરો જોડાયા છે. રાજ્ય ચૂંટણી પંચની સૂચના અને જિલ્લા ચૂંટણી અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક માસમાં ગણતરી ફોર્મ ભરવાની અને તેનું ડિજિટલાઈઝેશન લગભગ 82.46 ટકા પૂર્ણ થયું હોવાનું જિલ્લા ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું છે. જોકે હજુ પણ 8.46 ટકા ફોર્મ ડિજિટલાઈઝેશન માટે બાકી છે.

બીએલઓ દ્વારા યોગ્ય ફોટા, 2002ની મતદાર યાદીમાં નામોની ચકાસણી સહિતની જટિલ પ્રક્રિયા સતત ચાલુ છે. પરંતુ અનેક મતદારો સરનામે મળતા ન હોવાના કારણે કામગીરીમાં અવરોધો સર્જાઈ રહ્યા છે. એક માસથી વધુ સમય પસાર થવા છતાં 9.26 ટકા ફોર્મ અનકલેક્ટેડ કેટેગરીમાં આવી ગયા છે.

ચૂંટણી પંચ દ્વારા સર કાર્યક્રમ માટે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 4 ડિસેમ્બરના બદલે લંબાવી 11 ડિસેમ્બર 2025 નક્કી કરવામાં આવી છે. તે છતાં બીએલઓ છેલ્લા એક માસથી આવા મતદારોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. શહેર સહિત ભાગડાવડા અને તિથલ રોડ વિસ્તારમાં આવેલા અનેક એપાર્ટમેન્ટોમાં ફ્લેટો બંધ મળી રહ્યા છે. ઘણા મતદારોને ફોન કરવામાં આવે ત્યારે તેઓ બહારગામ હોવાનું જણાવે છે અથવા વિવિધ બહાના રજૂ કરે છે. જેના કારણે બીએલઓને વારંવાર ધક્કા ખાવા પડી રહ્યા છે અને સમગ્ર કામગીરી પર તેની અસર પડી રહી છે.

જો 11 ડિસેમ્બર સુધી ફોર્મ રજૂ નહીં થાય તો હકદાવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે. આવી સ્થિતિમાં બીએલઓની મૂંઝવણ વધતી જઈ રહી છે.

#વલસાડ #SIR2026 #મતદારયાદી #BLO #ચૂંટણીપ્રક્રિયા #ValsadDistrict #GujaratiNews #LocalNews #ElectionUpdate

══════════════════

વલસાડમાં શ્વાનોના ખસીકરણ માટે એજન્સીની નિમણૂક થશે, બાળકી પર શ્વાનના હુમલા બાદ તંત્ર સક્રિય

 

વલસાડ શહેરમાં રખડતા શ્વાનો દ્વારા હિંસક હુમલાના બનાવોમાં વધારો થતાં સ્થાનિક તંત્ર હરકતમાં આવ્યું છે. તાજેતરમાં એક બાળકી પર શ્વાનના હુમલા બાદ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર રજૂ થતા પશુપાલન વિભાગ દ્વારા તાત્કાલિક પગલાં લેવાની શરૂઆત કરવામાં આવી છે. તંત્ર દ્વારા શ્વાનોના સ્ટેરિલાઈઝેશન અને રસીકરણ માટે ખાસ એક એજન્સીની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

પશુપાલન વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, હુમલાની ઘટના બનેલા વિસ્તારમાં તેમની ટીમે સ્થળ મુલાકાત લીધી હતી, જ્યાં 6થી 7 શ્વાનોનું એક ટોળું જોવા મળ્યું હતું. તાત્કાલિક કાર્યવાહી હેઠળ પકડાયેલા શ્વાનોને એન્ટી રેબીઝ વેક્સિન આપવામાં આવી હતી. અધિકારીએ જણાવ્યું હતું કે સોસાયટી વિસ્તારમાં શ્વાનોને ખોરાક આપવાથી તેઓ ટોળામાં ભેગા થાય છે અને આક્રમક બની શકે છે, તેથી રહીશોને શ્વાનોને સોસાયટીની બહાર ખોરાક આપવા સલાહ આપવામાં આવી છે.

રખડતા શ્વાનોની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા એનિમલ બર્થ કંટ્રોલ કાર્યક્રમ અમલમાં મૂકવાની યોજના છે. આ કાર્યક્રમ અંતર્ગત નિયુક્ત થનારી એજન્સી દ્વારા શ્વાનોને પકડી તેમનું ખસીકરણ અને રસીકરણ કરવામાં આવશે અને બાદમાં તેમને શેલ્ટર કરીને તેમના મૂળ વિસ્તારમાં છોડવામાં આવશે. અધિકારીએ સ્વીકાર્યું હતું કે હાલ તંત્ર પાસે કુશળ ડોગ કેચર્સ કે નિશ્ચિત એજન્સી ઉપલબ્ધ નથી, જેના કારણે શ્વાન કરડવાના કેસોમાં પકડ કામગીરીમાં વિલંબ થાય છે, પરંતુ આગામી સમયમાં યોગ્ય આયોજન સાથે કામગીરીને વેગ આપવામાં આવશે.

વલસાડ શહેરમાં રખડતા ઢોરો બાદ હવે રખડતા શ્વાનો પણ લોકો માટે મુશ્કેલી બની ગયા છે. ભૂતકાળમાં બે નાની બાળકીઓ પર શ્વાનના હુમલા થયા છે અને વલસાડ હોસ્પિટલમાં એક મહિનામાં સરેરાશ 150થી વધુ ડોગ બાઈટના કેસ નોંધાઈ રહ્યા છે. શહેર અને આસપાસના ગામોમાં ડોગ બાઈટના વધતા કેસોથી સ્થાનિક લોકોમાં ભય અને રોષ જોવા મળી રહ્યો છે.

શ્વાનોના સ્ટેરિલાઈઝેશનથી રસ્તા પરના શ્વાનોની સંખ્યા નિયંત્રણમાં રહે છે, રેબિઝના કેસોમાં ઘટાડો થાય છે, શ્વાનોની આક્રમકતા ઓછી થાય છે, રાત્રે ભસવાનું ઘટે છે અને શ્વાનોનું આરોગ્ય સુધરે છે, જેથી માનવ અને પ્રાણીઓ બંને માટે વધુ સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણ સર્જાય છે.

#વલસાડ #રખડતાશ્વાનો #DogSterilization #ABCProgram #DogBite #ValsadCity #GujaratiNews #LocalNews #PublicSafety

══════════════════

લાયસન્સ રિન્યુ ન થતાં વલસાડમાં સાત નીરા કેન્દ્રો બંધ, આબકારી વિભાગ સામે ઉગ્ર રોષ, ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી

 

વલસાડ તાલુકા નીરા તાડગોળ ઉત્પાદક સહકારી મંડળીના લાયસન્સ રિન્યુઅલ મામલે આબકારી વિભાગની બેદરકારી સામે સહકારી વર્તુળમાં ભારે ખળભળાટ મચ્યો છે. લાયસન્સ માટે 15 દિવસથી કોઈ કાર્યવાહી ન કરાતા મંગળવારે જિલ્લા નશાબંધી અને આબકારી ખાતાના મહિલા અધિક્ષકે વલસાડ શહેરમાં કાર્યરત સાત નીરા વેચાણ કેન્દ્રો તાત્કાલિક બંધ કરાવતા નીરા ઉત્પાદકો અને સભાસદોમાં ઉગ્ર આક્રોશ ફેલાયો છે.

વલસાડના સહકારી આગેવાન અને માજી મંત્રી સ્વ. ડો. કેશવભાઈ પટેલ દ્વારા વર્ષ 1953માં સ્થાપિત વલસાડ તાલુકા નીરા તાડગોળ ઉત્પાદક સહકારી મંડળી 132 એકર જમીનમાં ખજૂરીના વૃક્ષોમાંથી નીરાનું ઉત્પાદન કરે છે. ગુજરાત રાજ્ય ખાદી ગ્રામ ઉદ્યોગ બોર્ડ દ્વારા માન્ય આ મંડળી દર વર્ષે નશાબંધી અને આબકારી ખાતા પાસેથી નીરાના ઉત્પાદન અને વેચાણ માટે લાયસન્સ મેળવે છે. જોકે આ વર્ષે મંડળી દ્વારા છેલ્લા એક માસથી વારંવાર દરખાસ્ત અને રજૂઆત છતાં લાયસન્સ રિન્યુ ન કરવામાં આવતા આબકારી વિભાગે કલ્યાણબાગ ખાતે આવેલ મુખ્ય નીરા કેન્દ્ર સહિત શહેરના તમામ સાત નીરા વેચાણ કેન્દ્રો બંધ કરાવી દીધા હતા.

નીરા કેન્દ્રો બંધ થતાં મંડળીના સભાસદોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો. ઘટનાની જાણ થતાં ગુજરાત નીરા ફેડરેશનના પ્રમુખ ગીરીશ દેસાઈ, મંત્રી મહેશ પટેલ, કારોબારી સભ્ય ડો. વિનોદ પટેલ સહિતના અગ્રણી સભાસદો વલસાડ દોડી આવ્યા હતા. તાત્કાલિક ઉકેલ ન આવે તો ગુજરાત રાજ્ય નીરા ફેડરેશન ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે તેવી ચીમકી આપવામાં આવી છે.

મંડળીના પ્રમુખ બાબુભાઈ પટેલે જણાવ્યું કે 17 નવેમ્બરે લાયસન્સ રિન્યુ માટે વલસાડ જિલ્લાના નશાબંધી અને આબકારી ખાતામાં અરજી કરવામાં આવી હતી. લાયસન્સ માટે વારંવાર કચેરીની મુલાકાત છતાં સ્ટાફ નથી જેવા બહાના બતાવી લાયસન્સ આપવામાં આવતું નથી. તેમણે આરોપ લગાવ્યો કે તમામ અન્ય નીરા મંડળીઓને લાયસન્સ આપવામાં આવ્યા છે, જ્યારે વલસાડની મંડળી સાથે ભેદભાવ કરવામાં આવી રહ્યો છે.

મંડળીના આગેવાનોનું કહેવું છે કે લાયસન્સ ન આપીને આબકારી તંત્ર સહકારી પ્રવૃત્તિને કચડવાનો પ્રયાસ કરી રહ્યું છે. મંડળીના પ્રમુખ કચેરીએ ગયા છતાં અધિક્ષક જીગીષા ચૌધરી મળતા ન હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ મુદ્દે તાત્કાલિક ન્યાય ન મળે તો રાજ્યવ્યાપી આંદોલનનો રસ્તો અપનાવાશે તેવી ચેતવણી આપવામાં આવી છે.

#વલસાડ #નીરામંડળી #આબકારીખાતું #લાયસન્સરિન્યુઅલ #સહકારીઆંદોલન #GujaratiNews #LocalNews #ValsadDistrict #NiraFederation #GandhianMovement

══════════════════

વલસાડ જિલ્લાના ગામોની શાળાના 2000 વિદ્યાર્થીઓને ગરમ કપડાંનું વિતરણ, અમદાવાદની ટિટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને સહાય

 

અમદાવાદ શહેરની અગ્રણી સામાજિક સંસ્થા ટિટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા 25 અને 26 નવેમ્બરના રોજ નવસારી તથા વલસાડ જિલ્લાના અંતરિયાળ ગામોની શાળાના અંદાજે 2000 વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીમાં અભ્યાસમાં અડચણ ન આવે તે હેતુથી ગરમ કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સહાય અંતર્ગત વિદ્યાર્થીઓને સ્વેટર, ટ્રેકપેન્ટ અને લેગિન્સ આપવામાં આવ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ ગામોની પ્રાથમિક શાળાઓ જેમ કે ચેપા મૂળગામ, મોટીપલસાણ મૂળગામ, સામરપાડા, રોહિયાળ જંગલ, સૌંદરવર્ગ પ્રાથમિક શાળા તેમજ નવસારી જિલ્લાના અંભેટા, કેસલી, પીપલગભાણ, દેગામ, સુધાવડી સહિતના ગામોની પ્રાથમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાઓની મુલાકાત લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓને શિયાળાની ઠંડીમાં હૂંફ મળી રહે તે માટે ટિટેક ઇન્ડિયા ફાઉન્ડેશન દ્વારા આ માનવતાભર્યો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો.

ટિટેક ઇન્ડિયા ફાઉન્ડેશનના લીડ શ્રી યુગ ચાવડાની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. આ વિતરણ કાર્યક્રમમાં ફાઉન્ડેશનના વોલેન્ટિયર કૃતિ પટેલ (નિવૃત્ત ડાયરેક્ટર ટિટેક ઇન્ડિયા), મોહિત ધવલે તેમજ વૈભવ વાળા જોડાયા હતા. શાળાઓ સાથે સંકલન અને કાર્યક્રમને સફળ બનાવવા સ્થાનિક કક્ષાએ ડો. પ્રતીક્ષા પટેલ, પૂર્વ શિક્ષક હર્ષાબેન પટેલ, પૂર્વ ડિફેન્સ ઓડિટર સુરેશચંદ્ર પટેલ, આશિષ ગોહેલ, છાયાબેન ગોહેલ, યશ ગોહેલ, દિનબારી પ્રાથમિક શાળાના શિક્ષક મહેશ ગાંવિત, વાલવેરી પ્રાથમિક શાળાના શિક્ષક ગુલાબ ચૌધરી, સંગીતાબેન પટેલ, મેઘનાબેન પટેલ સહિત અનેક લોકોએ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

આ સમગ્ર કાર્યક્રમમાં સહયોગ આપનાર તમામ વ્યક્તિઓ અને શાળાઓનો ટિટેક ઇન્ડિયા ફાઉન્ડેશન વતી યુગ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં પણ આવા સામાજિક સેવાકીય કાર્યક્રમો ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

#વલસાડ #નવસારી #કપરાડા #ટિટેકઇન્ડિયાફાઉન્ડેશન #સામાજિકસહાય #ગરમકપડાંવિતરણ #વિદ્યાર્થીસહાય #GujaratiNews #LocalNews #SocialWork

══════════════════

પારનેરા વિસ્તારની શાળાઓમાં સ્વદેશી ગ્લુકોઝ બિસ્કિટનું વિતરણ, કુપોષણ મુદ્દે જાગૃતિ કાર્યક્રમ યોજાયો

 

વલસાડના પારનેરા વિસ્તારની અંજલાવ અને દાદરી ફળિયા સ્થિત શાળાઓમાં સ્વદેશી ગ્લુકોઝ બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. પારનેરા વલસાડના વતની અને હાલ શ્રી એમ. એલ. ગાંધી સંચાલિત સર પી. ટી. સાયન્સ કોલેજના અધ્યાપક તેમજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોડાસા અરવલ્લીના ગતિવિધિ કાર્યકર્તા પ્રો. ડો. મનોજ ગોંગીવાલાએ આ શાળાઓમાં કુપોષણ વિષય પર માર્ગદર્શન આપ્યું હતું.

કાર્યક્રમ દરમિયાન સ્માર્ટ વ્યૂ બોર્ડ પર પ્રાર્થના, રામાયણ શ્રવણના પ્રસંગો દર્શાવવામાં આવ્યા હતા તેમજ પ્રશ્નોત્તરી સત્ર યોજાઈ જેમાં બાળકોે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પ્રસંગે સ્વદેશી ગ્લુકોઝ બિસ્કિટના પેકેટ્સ આંગણવાડીઓ તથા શાળાઓ માટે વિતરણ કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમનું આયોજન શાળાના આચાર્ય અને શિક્ષકો દ્વારા કરવામાં આવ્યું હતું. પ્રો. ડો. મનોજ ગોંગીવાલા દ્વારા માત્ર આ કાર્યક્રમ જ નહીં પરંતુ જરૂરિયાતમંદ બાળકો માટે ગણવેશ અને વસ્ત્રોની સહાય, પર્યાવરણના જતન માટે વૃક્ષોની સેવા તેમજ રાજ્ય અને રાજ્ય બહાર પોતાના સ્વખર્ચે સામાજિક સેવા સતત કરવામાં આવી રહી છે.

#પારનેરા #વલસાડ #શાળાઓ #સ્વદેશીગ્લુકોઝબિસ્કિટ #કુપોષણજાગૃતિ #GujaratiNews #LocalNews #SocialWork #Education

══════════════════

અતુલ ખાતે યોજાયેલ ઉલ્હાસ કપ ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમરગામની એમ.કે. મહેતા હાઈસ્કૂલ વિજેતા

 

ઉલ્હાસ જીમખાના અતુલ દ્વારા આયોજિત અન્ડર-19 ઇન્ટર સ્કૂલ ક્રિકેટ ટૂર્નામેન્ટ વલસાડ જિલ્લામાં સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ટૂર્નામેન્ટ અંગે માહિતી આપતા ઉલ્હાસ જીમખાનાના જનરલ સેક્રેટરી જે.ડી. પટેલે જણાવ્યું હતું કે 10 નવેમ્બરથી 20 નવેમ્બર 2025 દરમિયાન આયોજિત આ સ્પર્ધામાં વલસાડ જિલ્લાના કુલ 16 સ્કૂલ ટીમોએ ભાગ લીધો હતો.

ટૂર્નામેન્ટની ફાઈનલ મેચ ઉમરગામની એમ.કે. મહેતા હાઈસ્કૂલ અને એમ.ડી.ડી.આઈ. હાઈસ્કૂલ વચ્ચે રમાઈ હતી. જેમાં એમ.કે. મહેતા હાઈસ્કૂલની ટીમે શાનદાર પ્રદર્શન કરી વિજય મેળવ્યો હતો. એમ.કે. મહેતા સ્કૂલના કેપ્ટન પ્રભાત ચૌહાણે પ્રથમ બેટીંગ કરતા નિર્ધારિત 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી 137 રન બનાવ્યા હતા.

જવાબમાં એમ.ડી.ડી.આઈ. હાઈસ્કૂલના કેપ્ટન શ્રી રામ માછીની ટીમ માત્ર 75 રનમાં ઓલઆઉટ થઈ હતી. આ જીત સાથે એમ.કે. મહેતા હાઈસ્કૂલ ટૂર્નામેન્ટની ચેમ્પિયન બની હતી.

મેન ઓફ ધ મેચ અને મેન ઓફ ધ સિરીઝ બંને ઇનામો એમ.કે. મહેતા હાઈસ્કૂલના ખેલાડી પ્રભાત ચૌહાણને મળ્યા હતા. બેસ્ટ બોલર તરીકેનું ઇનામ રવિન્દ્ર સિંગને અપાયું હતું. ઉપવિજેતા એમ.ડી.ડી.આઈ. હાઈસ્કૂલના ખેલાડી રીધમ સાગરને બેસ્ટ બેટ્સમેન અને અમન ચોરસીયાને બેસ્ટ ફીલ્ડર તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.

ઈનામ વિતરણ સમારોહમાં U-19 સ્કૂલ કમિટીના સભ્યો હોમિયાર કાસદ, સુંદરભાઈ પસ્તાગીયા, કમલસર, વિજય પટેલ, મિનેષ પટેલ સહિત દિપક દેસાઈ, સુનિતાબેન પટેલ, માલતીબેન બારોટ, માજી ક્રિકેટર સાબીર કદમ, સ્પોર્ટ્સ ટીચર અજય માછી, અભિ શર્મા, માજી રણજી ટ્રોફી ખેલાડી કિરણ ટંડેલ અને ભાવેશ બારીયાની ઉપસ્થિતિમાં ખેલાડીઓને ઇનામો આપવામાં આવ્યા હતા.

#અતુલ #ઉલ્હાસકપ #ઇન્ટરસ્કૂલક્રિકેટ #ValsadDistrict #Umargam #MKMehtaHighSchool #SchoolCricket #GujaratiSportsNews #LocalNews

══════════════════

કરોડો ડૂબ્યાની શંકા, સીએમડી દુબઈ ઉપડી ગયા હોવાના આક્ષેપ, વલસાડ જિલ્લામાં ક્રેડિટ સોસાયટીની ઓફિસોને તાળા લાગતાં રોકાણકારો ફસાયા

 

વલસાડ જિલ્લામાં શ્રી સારનેશ્વર ક્રેડિટ સોસાયટીના નામે અનેક જગ્યાએ ઓફિસો ખોલીને લોભામણી સ્કીમો દ્વારા રોકાણકારોના કરોડો રૂપિયા ડૂબી ગયા હોવાના આક્ષેપો સામે આવ્યા છે. સોસાયટીના જ એજન્ટોએ કર્તાહર્તાઓ રફુચક્કર થઈ ગયા હોવાનો દાવો કરી આ મામલે કલેક્ટર કચેરીમાં લેખિત રજૂઆત કરી છે અને સમગ્ર પ્રકરણમાં CBI તથા ED તપાસની માગ ઉઠાવી છે.

વલસાડ જિલ્લાના ઉદવાડામાં બિઝનેસ પોઇન્ટ, વાપીમાં પેટ્રોલપંપ ચાર રસ્તા પાસે અમીધારા કોમ્પલેક્સ, ડુંગરામાં આસ્થા હાઈટ બિલ્ડિંગ તથા ભીલાડ ખાતે શ્રી સારનેશ્વર ક્રેડિટ સોસાયટીની ઓફિસો કાર્યરત હતી. અહીં ફિક્સ ડિપોઝિટ, સુકન્યા સમૃદ્ધિ જેવી લોભામણી સ્કીમોમાં વધુ વળતર આપવાની વાત કરી રોકાણકારોને આકર્ષવામાં આવ્યા હતા. બાદમાં અચાનક તમામ ઓફિસોને તાળા મારી દેવાતા રોકાણકારો ગભરાઈ ગયા છે અને એજન્ટો સામે રોષ વ્યક્ત કરી રહ્યા છે.

રોકાણકારો ઉભા કરવા માટે સોસાયટીના હોદ્દેદારોએ વિવિધ વિસ્તારોમાં એજન્ટોની નિયુક્તિ કરી હતી. એજન્ટોના જણાવ્યા મુજબ તેમણે પોતાના વિસ્તારોમાંથી હજારો નાના-મોટા રોકાણકારો ઉભા કરી કરોડો રૂપિયાનું રોકાણ કરાવ્યું હતું. પરંતુ હવે સોસાયટી બંધ થઈ જતાં રોકાણકારોના નાણાં ફસાયા હોવાનું સામે આવ્યું છે.

એજન્ટ મહેમુદ મહે અન્સારીએ જણાવ્યું હતું કે આ ક્રેડિટ સોસાયટી ભારત સરકારના કૃષિ મંત્રાલય હેઠળ વર્ષ 2012માં રજિસ્ટર્ડ કરવામાં આવી હતી અને તેનો રજિસ્ટ્રેશન નંબર 573 હોવાનું જણાવાયું હતું. ગત 27 ડિસેમ્બર 2024ના રોજ સોસાયટી અચાનક બંધ કરી દેવાઈ હતી. લાંબા સમય સુધી રાહ જોયા બાદ પણ સોસાયટીના સંચાલકો સંપર્કમાં ન આવતા રોકાણકારોના નાણાં ડૂબી ગયા હોવાની શંકા મજબૂત બની છે.

એજન્ટોના આક્ષેપ મુજબ સોસાયટીના સીએમડી હાલ દુબઈમાં હોવાનું કહેવાય છે અને વલસાડ જિલ્લામાં આવેલી તમામ ઓફિસોને તાળા મારી દેવાયા છે. તેમના અંદાજ પ્રમાણે આશરે પાંચ હજાર જેટલા નાના-મોટા રોકાણકારોના કરોડો રૂપિયા આ કૌભાંડમાં ફસાયા છે. સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી દોષિતો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરવામાં આવી છે.

#વલસાડ #ક્રેડિટસોસાયટી #રોકાણકારો #આર્થિકઠગાઈ #CBIતપાસ #EDતપાસ #ValsadDistrict #GujaratiNews #LocalNews #InvestmentFraud

══════════════════


 

📌 નોંધ / Note:
આ લેખ LokGujarati.com પર પ્રકાશિત કરવામાં આવ્યો છે. લેખમાં રજૂ થયેલી માહિતી જાહેર સ્ત્રોતો, સ્થાનિક જાણકારી, Field Observations અને લેખકના અવલોકન પર આધારિત છે. આ માહિતી ખાસ કરીને Vapi, Valsad, Umbergaon, Bilimora, Navsari, Dang, Dharampur–Kaprada, Daman–Silvassa વિસ્તારના વાચકો માટે ઉપયોગી થાય તે હેતુથી રજૂ કરવામાં આવી છે.

LokGujarati.com નો મુખ્ય હેતુ Gujarati Readers સુધી સાચી, ઉપયોગી, Factual અને Verified Information પહોંચાડવાનો છે, જેથી સમાજ, સંસ્કૃતિ, Lifestyle અને Local Awareness વધુ મજબૂત બને.

જો તમને આ લેખ ઉપયોગી લાગ્યો હોય તો તેને Share કરો અને તમારા વિચારો Comment Section માં જણાવો.
Local information, Culture, Society અને Community-focused Content માટે LokGujarati.com સાથે જોડાયેલા રહો.

Related posts

Leave a Comment